દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર પાસે દરિયામાં માછીમારીની પ્રવૃત્તિ ચાલી રહી હતી તે દરમિયાન એક ગંભીર અકસ્માત સર્જાયાના અહેવાલ સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, 19 ઓક્ટોબરની રાત્રે આશરે એકાદ વાગ્યાના સુમારે ‘મા સાકરી આઈ કૃપા’ નામની ફિશિંગ બોટ અને અન્ય કોઈ અજાણી બોટ અથવા હોડી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ આકસ્મિક ટક્કરના કારણે ‘મા સાકરી આઈ કૃપા’ બોટને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું, જેને બાદમાં અન્ય માછીમારોની બોટની મદદથી સુરક્ષિત રીતે કિનારે લવાઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં બોટ પર સવાર તમામ માછીમારોનો આબાદ બચાવ થયો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ હતી.

અકસ્માત સર્જીને અજાણી બોટ રફુચક્કર

આ ઘટના અંગે બોટના ટંડેલ અને સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અકસ્માત સર્જનાર સામેવાળી અજાણી બોટ કોઈપણ પ્રકારની મદદ કે રોકાયા વગર અંધારામાં જ ઘટનાસ્થળેથી નાસી છૂટી હતી. ભાગી ગયેલી આ શંકાસ્પદ બોટની ઓળખ માટે સંચાલક દ્વારા કેટલીક મહત્વની વિગતો જાહેર કરવામાં આવી છે. દાવા મુજબ અકસ્માત સર્જનાર બોટ ખાખી કલરની હતી, જેના પર ‘ઓમ ફાઈબર’ નું નિશાન દોરેલું હતું અને તેના પર લાલ રંગનો વાવટો પણ લગાવવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં બોટને અંદાજે 5 થી 7 લાખ રૂપિયા જેટલું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

માહિતી આપનાર માટે 25 હજારનું ઈનામ જાહેર

અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલી બોટની ભાળ મેળવવા માટે બોટ માલિક દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જે કોઈ વ્યક્તિ આ શંકાસ્પદ બોટ અંગે સાચી માહિતી પૂરી પાડશે તે માહિતી આપનારને બોટ માલિક તરફથી 25 હજાર રૂપિયા નું રોકડ ઈનામ આપવામાં આવશે તેવી ચર્ચા અને જાહેરાત કરવામાં આવી છે. માહિતી આપનારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવાની ખાતરી આપવામાં આવી છે અને આ સંદર્ભે બોટ માલિક દ્વારા મોબાઈલ નંબર 83203 56566 પર સંપર્ક કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. હાલ આ સમગ્ર અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે, જોકે આ વાઈરલ વીડિયોની સત્યતા અંગે સંદેશ ન્યૂઝ સત્તાવાર પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો : Gandhinagar મનપાના નવા મેયર કોણ બનશે? 44માંથી 38 બેઠકો જીત્યા બાદ ભાજપમાં રાજકીય દોડધામ તેજ