રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં થયેલા બોમ્બ ધડાકાની ઘટનાના પગલે સમગ્ર દેશના સંવેદનશીલ અને ધાર્મિક સ્થળો પર સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે, ગુજરાતના પશ્ચિમ કિનારે સ્થિત આસ્થાના પ્રતિક સમા ભગવાન દ્વારકાધીશના જગત મંદિરની સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરી દેવામાં આવ્યો છે.દ્વારકાનું જગત મંદિર હર હંમેશ પાડોશી દુશ્મન દેશોની નજરમાં રહ્યું હોવાથી, સામાન્ય દિવસોમાં પણ અહીં પૂરતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયેલો હોય છે. જોકે, દિલ્હીમાં થયેલા તાજેતરના બોમ્બ ધડાકા બાદ સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે અને અહીંનો બંદોબસ્ત અનેકગણો વધારી દેવામાં આવ્યો છે.
દ્વારકા જગતમંદિરની સુરક્ષામાં કરાયો વધારો
મંદિર તંત્ર અને પોલીસ દ્વારા લેવાયેલા નવા પગલાં અનુસાર, ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવતા તમામ ભક્તોને ચેક કર્યા બાદ જ જગત મંદિરના પરિસરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. મંદિરની અંદર જતાં તમામ યાત્રિકોની પૂરતી ચકાસણી કરવામાં આવી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. સુરક્ષાના ભાગરૂપે, ભક્તોને પ્રસાદ અને તુલસીની માળા સિવાયની કોઈપણ વસ્તુઓ મંદિર પરિસરમાં લઈ જવાની મંજૂરી નથી. પર્સ, બેગ, મોબાઈલ અને અન્ય અંગત વસ્તુઓ ભક્તોએ મંદિર પરિસર બહાર બનાવેલા લોકર રૂમમાં ફરજિયાતપણે જમા કરાવવાની રહેશે.
ભક્તોનું સઘન ચેકિંગ અનિવાર્ય
દ્વારકાધીશના દર્શનાર્થે આવતા હજારો ભક્તોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવા માટે આ પગલાં લેવામાં આવ્યા છે. પોલીસ અને સુરક્ષાકર્મીઓની વધારાની ટુકડીઓ દ્વારા મંદિરની આસપાસના વિસ્તારમાં પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી દર્શન કરવા આવતા યાત્રિકો સુરક્ષિત રીતે દર્શનનો લાભ લઈ શકે.









