અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર ડ્રગ્સ પ્રકરણમાં હવે કેન્દ્રીય તપાસ એજન્સી ED (Enforcement Directorate) એ એન્ટ્રી કરીને સકંજો વધુ મજબૂત બનાવ્યો છે. મની લોન્ડરિંગ અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટના નેટવર્કને તોડી પાડવા માટે ED દ્વારા ગુજરાત અને મુંબઈ સહીતના વિસ્તારોમાં 11 જેટલા સ્થળો પર એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ સઘન તપાસ દરમિયાન ડ્રગ્સના કાળા કારોબાર સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ પુરાવાઓ અને નાણાકીય લેવડદેવડના દસ્તાવેજો તપાસ એજન્સીના હાથ લાગ્યા છે.

નવીન ચીચકર કોકેઇન અને ગાંજાના વેપારમાં સામેલ

તપાસમાં ખુલાસો થયો છે કે આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર નવીન ચીચકર કોકેઇન (Cocaine) અને ગાંજા (Cannabis) જેવા પ્રતિબંધિત અને ખતરનાક નશીલા પદાર્થોના આંતરરાષ્ટ્રીય વેપારમાં સક્રિયપણે સામેલ હતો. ડ્રગ્સના આ ગેરકાયદે વેપાર થકી મળતી મસમોટી રકમ સામાન્ય બેંક ચેનલથી નહીં, પરંતુ હવાલા નેટવર્ક (Hawala) અને અત્યાધુનિક ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) ના માધ્યમથી વિદેશોમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી, જેથી એજન્સીઓની નજરથી બચી શકાય.

મલેશિયાથી ડિપોર્ટ કરાતાં આરોપી નવીનની ધરપકડ

આંતરરાષ્ટ્રીય સ્તરે વોન્ટેડ બનેલા મુખ્ય આરોપી નવીન ચીચકરને વિદેશમાં પકડી પાડ્યા બાદ મલેશિયાથી ભારત ડિપોર્ટ કરવામાં આવ્યો હતો, જ્યાં આગમન સાથે જ સુરક્ષા અને તપાસ એજન્સીઓ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ ED દ્વારા રિમાન્ડ મેળવીને આ સિન્ડિકેટ સાથે જોડાયેલા અન્ય સાગરિતો, સ્થાનિક કડીઓ અને ફાયનાન્સર્સ અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી આ રેકેટના મૂળ સુધી પહોંચી શકાય.

આ પણ વાંચો : Khedaમાં બેફામ વૃક્ષછેદનનો પર્દાફાશ, રાતના અંધારામાં 100 ટ્રક અને 500 ટ્રેક્ટરોમાં લાકડાની હેરાફેરી!, વન વિભાગ સામે સવાલો