ગુજરાતના મુખ્યમંત્રી અને વહીવટી તંત્રના માર્ગદર્શન વચ્ચે અમદાવાદ શહેરમાં સંસ્કૃતિ, પરંપરા અને વિજ્ઞાનનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો છે. અમદાવાદના મકરબા વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત ડી.એ.વી. ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા તા. 29 ઓક્ટોબર 2026ના રોજ એક ભવ્ય 'એકાવન કુંડી યજ્ઞ-હવન' નું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ ધોરણ 6 અને 7 ના વિદ્યાર્થીઓની 51 જોડીઓએ આ યજ્ઞનું આયોજન કરી ધાર્મિક વિધિ અને પ્રકૃતિ પ્રેમનો અનોખો સંદેશ આપ્યો હતો.

51 પ્રકારની દુર્લભ ઔષધીય વનસ્પતિઓની આહુતિ અને પ્રત્યક્ષ પ્રદર્શન

આ યજ્ઞ-હવનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાને પ્રકૃતિની અમૂલ્ય ભેટ સમાન ઔષધીય વનસ્પતિઓથી પરિચિત કરાવવાનો હતો. આ માટે હવનમાં આહુતિ આપવા માટે 51 પ્રકારની વિશેષ જડીબુટ્ટીઓ પસંદ કરવામાં આવી હતી, જેમાં અગર, અરડૂસી, અશ્વગંધા, આમળાં, ગળો, ગૂગળ, ચંદન, જટામાંસી, તજ, દેવદાર, બ્રાહ્મી, શંખપુષ્પી, શતાવરી, સૂંઠ અને હરડે સહિતની કુલ 51 વનસ્પતિઓનો સમાવેશ થતો હતો. યજ્ઞની પૂર્વ તૈયારી રૂપે છેલ્લા એક સપ્તાહથી વિદ્યાર્થીઓએ દરેક વનસ્પતિને પોતાના ઘરે લઈ જઈ પરિવારના સભ્યોને તેનો પરિચય કરાવ્યો હતો. આ તમામ વનસ્પતિઓનાં ફળ, ફૂલ, પાન, થડ અને મૂળના પ્રત્યક્ષ નિદર્શન માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વાલીઓએ પણ 'યજમાન' તરીકે ઉત્સાહભેર ભાગ લીધો હતો.


મેયર હિતેશ બારોટ અને અતિથિઓની વિશેષ ઉપસ્થિતિ

વિદ્યાર્થીઓ દ્વારા 51 કુંડીમાં આચરવામાં આવેલા આ 'જ્ઞાનયજ્ઞ' ને નિહાળવા અને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અનેક ગણમાન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અમદાવાદના મેયર હિતેશ બારોટ તેમજ આરોગ્ય સમિતિના અધ્યક્ષ દીપક પંચાલ વિશેષ અતિથિ તરીકે હાજરી આપી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત, ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) જી. એસ. મલિકનાં ધર્મપત્ની શ્રીમતી સવિતા મલિક પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. શાળાની આ અનોખી પહેલ બદલ વાલીઓ અને નગરજનોએ પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : Vadodaraમાં ફૂડ સેફ્ટી પર ગંભીર સવાલ, તાંદલજામાં 'સુપર બેકર્સ'ની બ્રેડના પેકેટમાંથી માખી નીકળતા ચકચાર