ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા સામે નાણાકીય ગેરરીતિ અને સત્તાના દુરુપયોગના આક્ષેપોને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. આક્ષેપો અંગે તપાસ માટે નિવૃત ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ દીપક એમ. વ્યાસની આગેવાનીમાં હાઈલેવલ કમિટી રચવામાં આવી છે. દરમિયાન વિદેશ પ્રવાસ દરમિયાન સરકારી ખર્ચે વ્યક્તિગત ખરીદી કરાઈ હોવાના દસ્તાવેજો સામે આવ્યાના દાવા પણ કરવામાં આવ્યા છે.

વિદેશ પ્રવાસમાં અંગત ખરીદીના આક્ષેપ

આક્ષેપ મુજબ અમેરિકા અને દુબઈ પ્રવાસ દરમિયાન સરકારી ખર્ચમાં વ્યક્તિગત ઉપયોગની વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દુબઈના ડ્યુટી-ફ્રી સ્ટોરમાંથી 351 દિરહમની બ્યૂટી પ્રોડક્ટ્સ ખરીદાઈ હોવાનો દાવો છે, જેની ભારતીય કિંમત અંદાજે 9,000 રુપિયા થાય છે. જ્યારે અમેરિકામાં લિપસ્ટિક, આઈલાઈનર અને બ્લશ જેવી બ્યૂટી પ્રોડક્ટ્સ ઉપરાંત શર્ટ અને ડ્રેસની ખરીદી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે.

Ahmedabad Gujarat University: Questions Over Alleged Personal Purchases

35,000થી વધુની અંગત ખરીદીને સત્તાવાર ખર્ચમાં દર્શાવાઈ 

અમેરિકાની ખરીદીનું કુલ બિલ ટેક્સ સહિત 139.68, ડોલર એટલે કે અંદાજે 13,300 રુપિયા હોવાનું જણાવાયું છે. આ રીતે બંને પ્રવાસ દરમિયાન 35,000થી વધુની અંગત ખરીદીને સત્તાવાર ખર્ચમાં દર્શાવાઈ હોવાના આક્ષેપો થયા છે.

ડો.નિરજા ગુપ્તાનો ટેલિફોનીક સંપર્ક 

આ ખરીદી મામલે પ્રતિક્રિયા મેળવવા માટે સંદેશ ડિજીટલ દ્વારા ડો.નિરજા ગુપ્તાનો ટેલિફોનીક સંપર્ક કરવામાં આવ્યો હતો પણ તેમણે ફોન રિસીવ કર્યો ન હતો.

40 કરોડની ગ્રાન્ટ અંગે પણ સવાલો

નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન PMJVK હેઠળ 40 કરોડની ગ્રાન્ટને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. 14 માર્ચ 2024ના રોજ જૈન હસ્તપ્રતોના ડિજિટાઇઝેશન અને સંરક્ષણ માટે ₹40 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મામલે 10 લાખ બ્લેકલિસ્ટેડ કંપનીને ચૂકવાયા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

ભરતી અને પગાર અંગે આક્ષેપ

પૂર્વ કુલપતિ સામે ભરતી પ્રક્રિયામાં પોતાના માનીતા લોકોને સ્થાન આપવાના અને 5થી 6 ગણો પગાર ચૂકવવાના આક્ષેપો પણ થયા છે. આ ભરતીને કારણે 3 વર્ષમાં યુનિવર્સિટી પર ₹10.93 કરોડનું આર્થિક ભારણ પડ્યું હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 4.20 લાખ માસિક પગાર 9 મહિના સુધી લેવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ અગાઉ સામે આવ્યો હતો. પોતાની સહિત 7 લોકોની ટીમને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

Ahmedabad Gujarat University: Questions Over Alleged Personal Purchases

બેંક ટ્રાન્ઝેક્શનને લઈને પણ તપાસ

દસ્તાવેજોમાં 2 મે 2026ના રોજ 10,01,891 અને 7 જુલાઈ 2026ના રોજ 9,84,150ના ટ્રાન્ઝેક્શનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રકમ અંગે પણ તપાસમાં વિગતો ચકાસવામાં આવશે.

નીરજા ગુપ્તાનો જવાબ

જોકે, પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ આ આરોપોને નકારી કાઢ્યા છે. ગત 27 ઓગષ્ટે તેમણે સોશિયલ મીડિયામાં પોતાની સ્પષ્ટતા કરતો વીડિયો વાયરલ કર્યો હતો જેમાં તેમના જણાવ્યા મુજબ 40 કરોડનો પ્રોજેક્ટ મંજૂર થયો હતો, પરંતુ તેમાંથી કોઈ ટ્રાન્ઝેક્શન થયું નથી. તેમણે એમ પણ કહ્યું છે કે અગાઉ મળેલી 16.50 કરોડની ગ્રાન્ટમાંથી 1.90 કરોડનો જ ખર્ચ થયો હતો. તેમના જણાવ્યા મુજબ વ્યક્તિગત સ્વાર્થ માટે તેમને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે તપાસ સમિતિના કેટલાક સભ્યો અંગે પણ અસંતોષ વ્યક્ત કરીને સવાલ ઉઠાવ્યો છે કે અગાઉ તેમના નિર્ણયોથી અસંતુષ્ટ રહેલા સભ્યો સમિતિમાં હોય ત્યારે તપાસ કેટલી પારદર્શક રહેશે.

Ahmedabad Gujarat University: Questions Over Alleged Personal Purchases

NSUIનો ઉગ્ર વિરોધ

આ સમગ્ર મુદ્દે અમદાવાદમાં NSUI કાર્યકરોએ આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ નોંધાવ્યો હતો. કુલપતિની ચેમ્બરમાં હોબાળો કરી લિપસ્ટિક અને બંગડીઓ ફેંકીને વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને કેટલાક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. NSUIએ નાણાંના દુરુપયોગના આક્ષેપો અંગે ત્રણ મહિનાની સમયમર્યાદા સુધી રાહ ન જોઈ તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવાની અને તપાસ રિપોર્ટ રજૂ કરવાની માંગ કરી છે.

https://twitter.com/sandeshnews/status/2101279688882823280 


હાઈલેવલ કમિટી કરશે તપાસ

આક્ષેપોની તપાસ માટે રચાયેલી કમિટી PMJVK ગ્રાન્ટ, કથિત ભરતી, પગાર અને સત્તાના દુરુપયોગ સહિતના મુદ્દાઓની તપાસ કરશે. નિવૃત ન્યાયાધીશ દીપક એમ. વ્યાસની આગેવાની હેઠળની કમિટીએ ત્રણ મહિનામાં રિપોર્ટ સોંપવાનો રહેશે. તપાસમાં સામે આવતી ભલામણોના આધારે ફોજદારી ફરિયાદ અંગે નિર્ણય લેવાશે. 


આ પણ વાંચો :  Cyclone Alert : બંગાળની ખાડીમાંથી આવી રહ્યું છે 'અર્નવ' વાવાઝોડું..!