અમદાવાદ સ્થિત રાજ્યની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત એવી ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) ને નવા કુલપતિ (વાઇસ ચાન્સેલર) મળી ગયા છે. રાજ્યપાલ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રના અનુભવી અને સુરતની જાણીતી સર પી.ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સના પ્રિન્સિપાલ ડૉ. પૃથુલ રમેશભાઈ દેસાઈની ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ નિમણૂકથી યુનિવર્સિટીના શૈક્ષણિક અને વહીવટી વર્તુળોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ હેઠળ કરાઈ નિમણૂક
રાજ્ય સરકાર અને રાજભવન દ્વારા ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ-2023ની કલમ 10(4)ની જોગવાઈઓ હેઠળ આ નિમણૂક કરવામાં આવી છે. નિયમ અનુસાર નવા કુલપતિ ડૉ. પૃથુલ રમેશભાઈ દેસાઈનો કાર્યકાળ પંચવર્ષીય એટલે કે 5 વર્ષ અથવા તેઓની 65 વર્ષની વય મર્યાદા પૂરી થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીનો રહેશે.
