અમદાવાદમાં કલાપ્રેમીઓ માટે શરૂ થયેલો ‘અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ’ માત્ર એક કલા મહોત્સવ નથી, પરંતુ દેશની વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓને એક મંચ પર લાવવાનો પ્રયાસ છે. તેની આઠમી આવૃત્તિમાં ભારતના અલગ-અલગ રાજ્યોના કલાકારો પોતાની કલા અને સર્જનાત્મકતા દ્વારા પ્રેક્ષકોને નવા અનુભવો કરાવી રહ્યા છે. બીજા દિવસે સાહિત્યથી લઈને નાટ્યકલા, સંગીત, નૃત્ય અને દૃશ્યકલા સુધીની અનેક રજૂઆતો થઈ. ખાસ વાત એ છે કે અહીં પ્રેક્ષકો માત્ર કાર્યક્રમો નિહાળતા નથી, પરંતુ કલાકારો સાથે સીધો સંવાદ કરીને તેમની કલાને વધુ નજીકથી સમજી પણ શકે છે.
ત્રણ સ્થળોએ કલાની વિવિધ રજૂઆતો
ટોરેન્ટ ગ્રુપના UNM ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ’ની આઠમી આવૃત્તિનો બીજો દિવસ અમદાવાદમાં સર્જનાત્મકતાના ઉત્સવ સમાન રહ્યો. ગુજરાત યુનિવર્સિટી, ATIRA અને શ્રેયસ ફાઉન્ડેશન એમ ત્રણ સ્થળોએ યોજાયેલા કાર્યક્રમોમાં દેશના વિવિધ શહેરોના કલાકારોએ પોતાની કલાત્મક પ્રતિભા રજૂ કરી હતી. નૃત્ય, સંગીત, સાહિત્ય, નાટક અને દૃશ્યકલાના અલગ-અલગ સ્વરૂપોએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સમકાલીન કળાની સાથે ભારતીય શાસ્ત્રીય અને લોકપરંપરાઓનો પણ સુંદર સમન્વય જોવા મળ્યો હતો. આ કાર્યક્રમો દ્વારા વિવિધ પ્રદેશોની સંસ્કૃતિ, ભાષા અને જીવનશૈલીને સમજવાની તક મળી હતી.

સાહિત્ય અને નાટ્યકલાએ ખેંચ્યું ધ્યાન
સાહિત્ય વિભાગમાં કાવ્યપઠન, નાટ્યાત્મક વાચન અને સ્પોકન વર્ડ જેવી રજૂઆતો યોજાઈ હતી. ‘ઇન્દ્રધનુષ’ અને ‘ચટકારા’ જેવી પ્રસ્તુતિઓમાં કવિતા, હાસ્ય અને જીવનના અનુભવોને કલાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા હતા. ‘પાઠનો ઠાઠ’ દ્વારા નાટ્યાત્મક વાચન અને ‘ભાષા’ વિષયક રજૂઆત દ્વારા ભાષાકીય વિવિધતાની ઉજવણી કરવામાં આવી હતી.

નાટ્યકલામાં ગુજરાતી કલાકાર જિજ્ઞા વ્યાસે ઇસ્મત ચુગતાઈની જાણીતી વાર્તા ‘ઘરવાળી’નું નાટ્યરૂપાંતરણ રજૂ કર્યું હતું. પાલનપુરની પૃષ્ઠભૂમિમાં રજૂ થયેલી આ કૃતિમાં લાજ્જો નામના પાત્ર દ્વારા પ્રેમ, લગ્નજીવન અને સામાજિક બંધનો જેવા વિષયોને સ્પર્શવામાં આવ્યા હતા. પ્રતીક રાઠોડની ‘વિદ્રોહી’ રજૂઆતમાં ક્રાંતિકારી કવિ રામાશંકર યાદવ ‘વિદ્રોહી’ના જીવન અને વિચારોને નાટ્યાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા હતા. ધૌમિલ પરમારની ‘અનસ્ક્રિપ્ટેડ લાઇવ્સ – ધ ઇમ્પ્રોવ શો’એ પ્રેક્ષકોને પણ સર્જનાત્મક પ્રક્રિયાનો ભાગ બનાવ્યા હતા.
સંગીત અને નૃત્યમાં પરંપરા સાથે આધુનિકતાનો મેળ
સંગીત વિભાગમાં બેંગલુરુના આદિત્ય રાજારામ અને પ્રેરણા વીએ વાંસળી તથા વાયોલિનના સૂરોથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ચેન્નાઈના ‘આત્મનામ’ જૂથે મરાઠી અભંગ, બ્રજભાષાનાં ભજનો, તમિલ લોકસંગીત અને મલયાલમની પૌરાણિક પરંપરાઓને એકસાથે રજૂ કરી હતી. ભાવનગરના હાર્દિક રાવલની ‘મારવાડથી કાઠિયાવાડ’ રજૂઆતમાં પશ્ચિમ ભારતની લોકસાંસ્કૃતિક વિરાસતની ઝલક જોવા મળી હતી. દીપિકા વરદરાજનની ‘રાગ વિહાર’ પ્રસ્તુતિમાં હિન્દુસ્તાની અને કર્ણાટક શાસ્ત્રીય સંગીતનો સમન્વય જોવા મળ્યો હતો.

નૃત્ય વિભાગમાં મુંબઈ, દિલ્હી અને કોલકાતાના કલાકારોએ સમકાલીન નૃત્ય, બેલે, જાઝ અને પ્રયોગાત્મક શૈલીઓ રજૂ કરી હતી. અમન ગોસ્વામીની ‘આસક્તિ’, મૃદ્વિકા રિચીની ‘ધ ચેઝ’ અને કંકના સિંઘની ‘છલ – ધ આર્ટ ઑફ ડિસેપ્શન’ જેવી રજૂઆતો આકર્ષણનું કેન્દ્ર બની હતી.
દૃશ્યકલા દ્વારા સામાજિક પરિવર્તન પર વિચાર
દૃશ્યકલા વિભાગમાં કલાકારોએ સ્થાપત્યો અને વિવિધ માધ્યમો દ્વારા શહેરો, પર્યાવરણ, સામાજિક અસમાનતા અને બદલાતી સાંસ્કૃતિક ઓળખ જેવા વિષયો રજૂ કર્યા હતા. આકાશ શર્માનું ‘મીનવ્હાઇલ, ધ સિટી’ શહેરના સતત બદલાતા સ્વરૂપને દર્શાવતું હતું. આનંદ રાયની ‘ધ ગ્લોબ’ કૃતિએ શહેરી વિકાસ અને સામાજિક અસમાનતા વચ્ચેના વિરોધાભાસ તરફ ધ્યાન દોર્યું હતું. ગુવાહાટીના અભિજિત શર્માએ બ્રહ્મપુત્ર નદીના કિનારાના બદલાતા પરિદૃશ્ય અને લુપ્ત થતી સ્મૃતિઓને પોતાની કૃતિમાં સ્થાન આપ્યું હતું.

13 ડિસેમ્બર સુધી માણી શકાશે કલા મહોત્સવ
અભિવ્યક્તિનો આ મહોત્સવ 27 નવેમ્બરથી 13 ડિસેમ્બર, 2026 સુધી અમદાવાદનાં ત્રણ સ્થળોએ યોજાઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે તમામ કાર્યક્રમોમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. જોકે, પ્રવેશ વહેલા તે પહેલાના ધોરણે હોવાથી મુલાકાતીઓએ કાર્યક્રમની વિગતો અને સમયપત્રક સત્તાવાર વેબસાઇટ www.abhivyaktiart.org પર તપાસવું જરૂરી છે.
UNM ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય કલાને સામાન્ય લોકો સુધી પહોંચાડવાની સાથે નવા અને સ્થાપિત કલાકારોને એક મંચ પૂરો પાડવાનો છે. અગાઉની સાત આવૃત્તિઓમાં 2,500થી વધુ કલાકારો અને 550થી વધુ કલાત્મક રજૂઆતો દ્વારા 10 લાખથી વધુ લોકો સુધી આ પહેલ પહોંચી હોવાનું આયોજકો જણાવે છે.
આ પણ વાંચો: Panchayat: કેવિન પીટરસન બન્યા ફુલેરાના રહેવાસી! કુર્તા-પાયજામામાં બોલ્યા ‘એ બુટકુન, ચાય લા બે!’