અમદાવાદમાં યોજાનાર દિલજીત દોસાંજના કોન્સર્ટના આયોજનને લઈને ભારે ચર્ચા જાગી છે.આ કોન્સર્ટના આયોજન માટે તંત્ર પાસેથી જરૂરી એનઓસી લેવાની પ્રક્રિયા હજુ સુધી પૂર્ણ થઈ શકી નથી.નિયમ મુજબ કોઈપણ મોટા જાહેર કાર્યક્રમ માટે વહીવટી તંત્રની પરવાનગી અનિવાર્ય હોય છે,પરંતુ આ કેસમાં તંત્રની આખરી મંજૂરી બાકી હોવા છતાં આયોજકો દ્વારા ટિકિટનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.આયોજકોએ એનઓસી મેળવવા માટે તંત્ર સમક્ષ અરજી કરી દીધી છે,પરંતુ સત્તાવાર રીતે પરવાનગી પત્ર મળ્યા પહેલાં જ ટિકિટોનું વિતરણ શરૂ થઈ જતાં સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો છે.
સ્થળની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે
તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને નિયમાનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કોન્સર્ટના સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા સ્થળની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે.ખાસ કરીને કાર્યક્રમ સ્થળે ઊભા કરવામાં આવનારા સ્ટેજની મજબૂતી અને બનાવટની તપાસ કરવામાં આવશે.આ ઉપરાંત,કોઈ કટોકટીની સ્થિતિ ઊભી થાય તો લોકો સુરક્ષિત બહાર નીકળી શકે તે માટે ઇમરજન્સી એક્ઝિટની યોગ્ય ચકાસણી પણ તંત્રની ટીમ દ્વારા હાથ ધરાશે.વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી સમગ્ર પરિસર અને સુરક્ષા વ્યવસ્થાની સંપૂર્ણ સમીક્ષા નહીં થાય ત્યાં સુધી આયોજકોને મંજૂરી આપવામાં આવશે નહીં.
