ગુજરાતમાં આ વર્ષે વરસાદ ખૂબ જ ઓછા પ્રમાણમાં થયો છે. જેના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. ઓછા વરસાદને કારણે રાજ્યમાં દુષ્કાળ જેવી સ્થિતિનું સર્જન થયું છે. આ મુદ્દો આજે વિધાનસભાના ચોમાસુ સત્રમાં પણ ગાજ્યો હતો. કોંગ્રેસે રાજ્યમાં દુષ્કાળની સ્થિતિમાં સરકારે શું પગલાં લીધા તેની માહિતી આપવા માગ કરી હતી. બીજી બાજુ સરકારે ખેડૂતોના નિષ્ફળ ગયેલા પાકને લઈને ચોમાસા બાદ નિર્ણય કરાશે તેવો ગૃહમાં જવાબ આપ્યો હતો. કોંગ્રેસે ખેડૂતોના દેવા માફી સુધીની માગ કરી હતી. જાણો રાજ્યમાં અત્યાર સુધીમાં કયા જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ વરસ્યો અને કયા જિલ્લામાં વરસાદનું પ્રમાણ ખૂબજ નહિવત રહ્યું છે.

ગુજરાતનો કુલ સરેરાશ વરસાદ 687.95 એમ.એમ.નોંધાયો
રાજ્યમાં મોસમી વરસાદની સરેરાશ સ્થિતિ પર નજર કરીએ તો ગુજરાતનો કુલ સરેરાશ વરસાદ 687.95 એમ.એમ.નોંધાયો છે.જે સામાન્ય સરેરાશ સામે આશરે 75.69 ટકા જેટલો થાય છે.છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સરેરાશ માત્ર 0.52 એમ.એમ.જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં દક્ષિણ ઝોનમાં સૌથી વધુ સારો વરસાદ નોંધાયો છે.જ્યાં સરેરાશ 1610.12 એમ.એમ.એટલે કે સામાન્ય કરતાં 104 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.આ પ્રદેશમાં સુરત,નવસારી,વલસાડ અને ડાંગ જેવા જિલ્લાઓમાં સારો વરસાદ વરસી ગયો છે જેના કારણે દક્ષિણ ગુજરાતની સ્થિતિ સંતોષકારક રહી છે. જ્યારે આનાથી વિપરીત પરિસ્થિતિ કચ્છ અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં જોવા મળી છે.

રાજ્યમાં સરેરાશ આશરે 24.31 ટકા જેટલી વરસાદની ઘટ
કચ્છ ક્ષેત્રમાં અત્યાર સુધીમાં માત્ર 149.60 એમ.એમ. સરેરાશ વરસાદ થયો છે જે સામાન્ય સામે માત્ર 29.93 ટકા જ છે.ઉત્તર ગુજરાતમાં સરેરાશ 410.70 એમ.એમ.અને સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં 428 એમ.એમ.વરસાદ નોંધાયો છે.પૂર્વ-મધ્ય ગુજરાતમાં સરેરાશ 614.93 એમ.એમ.એટલે કે 75.08 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના આ વિસ્તારોમાં લાંબા સમયથી સારો વરસાદ ન થવાને કારણે પાણીની ઘટ વર્તાઈ રહી છે. સમગ્ર રાજ્યના 268 તાલુકાઓમાંથી મોટાભાગના વિસ્તારોમાં લાંબા સમયથી નવો સક્રિય વરસાદ નોંધાયો નથી. દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદની ઘટ સ્પષ્ટપણે જોવા મળી રહી છે.ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી સમયમાં પૂરતા પાણીના આયોજન અને કૃષિ ક્ષેત્રે સાવચેતી રાખવાની આવશ્યકતા રહે છે.સમગ્ર રાજ્યમાં સરેરાશ આશરે 24.31 ટકા જેટલી વરસાદની ઘટ કહી શકાય.

વરસાદની આ ઘટ સમગ્ર રાજ્યમાં એકસરખી નથી
વરસાદની આ ઘટ સમગ્ર રાજ્યમાં એકસરખી નથી. પરંતુ પ્રાદેશિક ધોરણે તેમાં મોટો તફાવત જોવા મળે છે. કચ્છની વાત કરીએ તો આ વિસ્તારમાં વરસાદની સૌથી વધુ ઘટ નોંધાઈ છે.જ્યાં અત્યાર સુધીમાં માત્ર 29.93 ટકા જ વરસાદ થયો છે.અહીં અંદાજે 70.7 ટકાની મોટી ઘટ છે.ઉત્તર ગુજરાતમાં સરેરાશ 56.23 ટકા વરસાદ વરસી ચૂક્યો છે જે મુજબ આ વિસ્તારમાં આશરે 43.77 ટકા વરસાદની ઘટ છે.સૌરાષ્ટ્રમાં 56.26 ટકા વરસાદ નોંધાયો છે અહીં પણ અંદાજે 43.74 ટકા વરસાદની ઘટ છે.પૂર્વ-મધ્ય ગુજરાતમાં 75.08 ટકા વરસાદ થયો છેઅહીં આશરે 24.92 ટકા વરસાદની ઘટ છે.દક્ષિણ ગુજરાત એકમાત્ર એવો પ્રદેશ છે જ્યાં સામાન્ય કરતાં વધુ એટલે કે 104.41 ટકા વરસાદ નોંધાયો છે જેથી અહીં કોઈ ઘટ નથી.
આ પણ વાંચોઃ Anand News : 'તમારા ખાતામાંથી પાકિસ્તાન ફંડિંગ થાય છે...' એક ફોન કોલ અને વકીલે ગુમાવ્યા રૂ. 70 લાખ!