ગુજરાતના વિકાસ અને પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે એક અત્યંત મોટા અને ખુશખબર સમાન સમાચાર સામે આવ્યા છે. આગામી 2027 ની વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં મહત્ત્વાકાંક્ષી 'કલ્પસર યોજના' ની કામગીરી સત્તાવાર રીતે શરૂ થવા જઈ રહી છે, જેની શરૂઆત ભરૂચ જિલ્લાના પાણિયાદ્રા ગામેથી કરવામાં આવશે.
યોજનાની વિશેષતાઓ અને વિશાળ માળખું
આ યોજના હેઠળ દરિયા પર અને બહાર મળીને કુલ 60 કિલોમીટર લાંબો ભવ્ય બ્રિજ બનાવવામાં આવશે. જેમાં દરિયા પર 27 કિમીનો 20 લેનનો વિશાળ બ્રિજ અને દરિયા બહારના 34 કિલોમીટર વિસ્તારમાં બ્રિજનું નિર્માણ થશે. આ ઉપરાંત રૂટ પર 16 લાઈનનો બ્રિજ માર્ગ બનશે, જેમાં વચ્ચે 4 લાઈનની રેલવે ટ્રેક પણ સામેલ હશે.
ગુજરાતને મળશે હજારો મિલિયન ક્યુબિક મીટર મીઠું પાણી
કલ્પસર યોજના નર્મદા યોજના કરતા પણ મોટી સાબિત થવા જઈ રહી છે. નર્મદા યોજનાથી અંદાજે 9,000 MCM પાણી મળે છે, જ્યારે આ યોજનાથી ગુજરાતને અંદાજે 13,000 MCM મીઠું પાણી ઉપલબ્ધ થશે. આનાથી ભરૂચ અને સૌરાષ્ટ્ર ઝોનની 10 નદીઓના જળસ્તર ઊંચા આવશે અને સૌરાષ્ટ્રના 9 જેટલા જિલ્લાઓને સીધો મોટો ફાયદો થશે.

નેધરલેન્ડ સરકાર સાથે થયા મહત્વપૂર્ણ MOU
આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે વિદેશી ટેકનોલોજીનો સહારો લેવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે નેધરલેન્ડ સરકાર સાથે ખાસ MOU કરવામાં આવ્યા છે. આગામી સમયમાં નેધરલેન્ડથી વિશેષ ટેક્નિકલ ટીમ ગુજરાતની મુલાકાતે આવશે અને આ પ્રોજેક્ટને વેગ આપશે.
શું છે કલ્પસર યોજના?
કલ્પસર યોજનાએ ગુજરાત સરકારનો એક અત્યંત મહત્વકાંક્ષી અને ભવ્ય મલ્ટી-પર્પઝ મેગા-ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. આ યોજના અંતર્ગત ખંભાતના અખાતમાં એક વિશાળ સમુદ્ર-ડેમ (દરિયાઈ બંધ) બનાવીને વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું દરિયાકાંઠાનું જળાશય બનાવવાનું આયોજન છે.

એન્જિનિયરિંગ અને ડિઝાઇન
- સમુદ્ર-ડેમ: સૌરાષ્ટ્રના ભાવનગર અને દક્ષિણ ગુજરાતના ભરૂચ વચ્ચે દરિયામાં આશરે 30 થી 60 કિલોમીટર લાંબો બંધ બાંધવામાં આવશે.
- મીઠા પાણીનો સંગ્રહ: દરિયાના ખારા પાણીને અટકાવીને સાબરમતી, મહી, ઢાઢર અને નર્મદા જેવી મોટી નદીઓના વહેતા પાણીને આ જળાશયમાં રોકવામાં આવશે.
- વિશાળ ક્ષમતા: આ સરોવર આશરે 2,000 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું હશે, અને તેની પાણી સંગ્રહ ક્ષમતા સરદાર સરોવર ડેમ કરતાં પણ વધુ આશરે 7,800 થી 13,000 મિલિયન ઘન મીટર હશે.

મુખ્ય ઉદ્દેશ્યો અને ફાયદા
- સિંચાઈ અને પીવાનું પાણી: સૌરાષ્ટ્રના સૂકા અને પાણીની અછતવાળા વિસ્તારોના 9 જિલ્લાના 42 તાલુકાઓની લગભગ 10 લાખ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળશે.
- જમીન સુધારણા: દરિયાઈ ભરતીના કારણે ક્ષારયુક્ત બનેલી આશરે 1 લાખ હેક્ટરથી વધુ જમીનને ફરીથી ખેતીલાયક બનાવવામાં આવશે.
- પરિવહનમાં ક્રાંતિ: આ ડેમની ઉપર 16 લેનનો હાઈવે બનાવવાનું આયોજન છે, જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું અંતર અને મુસાફરીનો સમય મહદ અંશે ઘટાડી દેશે.
- ગ્રીન એનર્જી: આ પ્રોજેક્ટ દ્વારા ભરતી ઓટની ઉર્જાનો ઉપયોગ કરીને મોટા પાયે વીજળી ઉત્પન્ન કરવાનું પણ લક્ષ્ય છે.

વર્તમાન સ્થિતિ
- નેધરલેન્ડ સાથે જોડાણ: મે 2026 માં, દરિયાઈ ઇન્જિનિયરિંગમાં નિષ્ણાત એવા નેધરલેન્ડ દેશ સાથે ટેકનિકલ સહયોગ કરાર કરવામાં આવ્યો છે, જેથી આ જટિલ પ્રોજેક્ટને ઝડપથી આગળ વધારી શકાય.
- પર્યાવરણીય મંજૂરી: આ યોજના માટે પર્યાવરણીય મંજૂરીઓ મેળવવાની પ્રક્રિયા હાલ ગતિમાં છે.
આ પણ વાંચો: Delhi: જેને ‘અશક્ય’ કહી છોડી દેવાયો હતો એ કલ્પસર પ્રોજેક્ટને હવે નવી ગતિ, 9 જિલ્લાઓમાં 10 લાખ હેક્ટર સિંચાઈનો દાવો