ગાંધીનગર ખાતે સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM), SAFE, વાહન વ્યવહાર વિભાગ અને ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે ‘27th SAFE એન્યુઅલ કન્વેન્શન-સસ્ટેનેબલ મોબિલિટી એક્સપો’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતાં વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ઇનોવેશન, ઇન્ટીગ્રેશન અને ઇન્ટરવેન્શન થકી માર્ગ સલામતીને વધુ સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે. વાહનોની આંતરિક સુરક્ષા (AIRBAG, ABS, EBD) ની સાથે હવે પદયાત્રીઓ અને નાના વાહનોની બાહ્ય સુરક્ષા માટે પણ વિશેષ ટેક્નોલોજી અપનાવવામાં આવશે.

ગાંધીનગરમાં ‘27th SAFE એન્યુઅલ કન્વેન્શન

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે માર્ગ અકસ્માત અટકાવવા કાયદા ઉપરાંત સમાજમાં 'સિવિક સેન્સ' અને પરસ્પર આદર જરૂરી છે. તેમણે ADAS સિસ્ટમ માટે થર્મોપ્લાસ્ટિક રોડ માર્કિંગ, ડેશકેમ પોલિસી, 100% AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક અને 'વિશ્વાસ' તથા 'નેત્ર' પ્રોજેક્ટ હેઠળ ઈ-ચલણ ફેસલેસ અમલીકરણની કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે SIAM ના “Context Paper” નું વિમોચન કરાયું હતું તથા માર્ગ સુરક્ષામાં યોગદાન આપનાર 'રોડ સેફ્ટી વારિયર્સ'નું એવોર્ડ આપી સન્માન કરાયું હતું.

સુરક્ષિત સફર'ની થીમ પર મહામંથન

કાર્યક્રમમાં ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનર સતિષ પટેલે ચિંતા વ્યક્ત કરી હતી કે ભારતમાં પ્રતિવર્ષ 1.80 લાખ અને ગુજરાતમાં 8 હજારથી વધુ નાગરિકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. આ પડકાર સામે તમામ સ્ટેકહોલ્ડર્સે સંયુક્ત પ્રયાસો કરવા પડશે. માર્ગ અને મકાન વિભાગના સચિવ પી. આર. પટેલિયાએ જણાવ્યું કે રાજ્યના 1.35 લાખ કિમીના રોડ નેટવર્ક પર વિવિધ વાહન શ્રેણીઓ વચ્ચે સુરક્ષા જાળવવી એન્જિનિયરિંગ ઉપરાંત માનસિક જાગૃતિનો પણ વિષય છે.

‘રોડ સેફ્ટી વારિયર્સ’નું એવોર્ડથી કરાયું વિશેષ સન્માન

પોલીસ અધિક્ષક સાહિત્યા વી. એ ‘Life-Centric Road Intelligence’ નો અભિગમ રજૂ કરતાં ટ્રકમાં સેન્સર્સથી બ્લાઇન્ડ સ્પોટ ઓળખવા, રાત્રે થર્મલ કેમેરા વડે 100 મીટર સુધીના રાહદારીઓની જાણકારી મેળવવી અને ટુ-વ્હીલરમાં પાછળથી આવતા વાહનોની ઝડપની ચેતવણી જેવી ટેકનોલોજી અપનાવવા સૂચન કર્યું હતું. આ સાથે જ HMSI ના ‘અમદાવાદ રોડ સેફ્ટી પ્રોજેક્ટ’ અને NID ના ‘ગાંધીનગર રોડ સેફ્ટી અવેરનેસ પ્રોજેક્ટ’નું પણ વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Gandhinagr: વડનગર-વારાણસી યાત્રામાં ગાડીઓ છોડી બાઇક પર સવાર થયા નેતાઓ, 2027ની તૈયારીઓ અને જમીન ખૂંદતા નેતાઓ