તાજેતરમાં ગુજરાતમાં સર્જાયેલી અસાધારણ અને અતિભારે વરસાદની સ્થિતિ વચ્ચે રાજ્યના માર્ગ અને મકાન વિભાગે નાગરિકોના હિતમાં પ્રશંસનીય કામગીરી કરી છે. ખાસ કરીને તા.23 થી 27 જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખાબકેલા ભારે વરસાદના કારણે જળબંબાકાર અને પૂર જેવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી.આવી કટોકટીની ક્ષણોમાં પણ માર્ગ અને મકાન વિભાગે યુદ્ધના ધોરણે મરામત હાથ ધરી બંધ થયેલા રસ્તાઓને ગણતરીના કલાકોમાં વાહન વ્યવહાર માટે પુનઃ કાર્યરત કર્યા હતા.

ટૂંકા ગાળામાં જ વાહન વ્યવહાર પુનઃ શરૂ કરી દેવાયો

માર્ગ અને મકાન વિભાગની સત્તાવાર માહિતી અનુસાર,અતિભારે વરસાદના આ પાંચ દિવસ દરમિયાન સુરક્ષાના કારણોસર, પાણીના ઓવરટોપિંગ તથા રસ્તાઓને ક્ષતિ પહોંચવાને કારણે સમગ્ર રાજ્યમાં કુલ 1540 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા.વિભાગની ઝડપી કામગીરીના પરિણામે હાલની સ્થિતિએ આશરે 94 ટકા એટલે કે 1451 રસ્તાઓ મરામત બાદ પૂર્વવત્ કરી દેવામાં આવ્યા છે.દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ વધુ ગંભીર હતી.જ્યાં ભારે વરસાદમાં બંધ થયેલા 1251 રસ્તાઓ પૈકી 1187 રસ્તાઓ પર માત્ર 24 થી 48 કલાકના ટૂંકા ગાળામાં જ વાહન વ્યવહાર પુનઃશરૂ કરી દેવાયો હતો.

ત્વરિત ધોરણે 120 જેટલા રસ્તાઓની મરામત કરી

હાલ દક્ષિણ ગુજરાતના 1236 એટલે કે 98 ટકાથી વધુ રસ્તાઓ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે ખુલ્લા મૂકી દેવાયા છે.માર્ગ અને મકાન વિભાગે નાગરિકોની સુવિધા માટે મીડિયા માધ્યમોના અહેવાલો પ્રત્યે પણ અત્યંત સકારાત્મક અને સંવેદનશીલ અભિગમ દાખવ્યો હતો. વિવિધ સમાચાર માધ્યમોમાં પ્રકાશિત ક્ષતિગ્રસ્ત કે બંધ રસ્તાઓના અહેવાલોને ગંભીરતાથી લઈ ત્વરિત ધોરણે 120 જેટલા રસ્તાઓની મરામત કરી વાહન વ્યવહાર પૂર્વવત્ કરવામાં આવ્યો હતો.

મેનપાવર ડિપ્લોયમેન્ટ

કટોકટીના આ સમયમાં 145 તકનીકી અધિકારીઓ અને 1316 ગ્રાઉન્ડ લેબર મળી 1400થી વધુ અધિકારી-કર્મચારીઓ દિવસ-રાત ફિલ્ડમાં તૈનાત રહ્યા હતા.

ભારે મશીનરીનો ઉપયોગ 

195 JCB, 86 ટ્રેક્ટર અને 59 ડમ્પર સહિત 300થી વધુ ભારે વાહનો-મશીનરી મોકલી રસ્તાઓ પરના ભંગાણ અને માટીનો કાટમાળ ઝડપથી હટાવાયો હતો.

24x7 કંટ્રોલ અને પળ-પળનું સંકલન

ગાંધીનગર સ્ટેટ ફ્લડ કંટ્રોલ સેલ ખાતેથી દર 2 કલાકે રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવામાં આવ્યું.વલસાડ કમાન્ડ બેઝથી મુખ્ય ઇજનેર અને ખાસ ફરજ પરના અધિકારી દ્વારા સુરત, નવસારી અને વલસાડમાં સીધું સંકલન સાધવામાં આવ્યું હતું.

વિશેષ તકનીકી મૂલ્યાંકન 

ગાંધીનગરથી 6 વિશેષ ડિઝાઇન ટીમો રવાના કરી અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકારી ઈમારતો અને પુલોની સ્ટ્રક્ચરલ ઈન્ટિગ્રિટી (મજબૂતી) અને સલામતીનું તકનીકી મૂલ્યાંકન કરાયું હતું.


આ પણ વાંચોઃ Monsoon 2026 : આજે સાંજથી અમદાવાદમાં પડી શકે ભારે વરસાદ, 31 જુલાઇએ અતિ ભારે વરસાદની આગાહી