સોમનાથ મંદિર ખાતે ઇકો-ફ્રેન્ડલી પ્રસાદ પેકેજિંગની સફળતા બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હવે આ મોડેલને આરાસુરી અંબાજી માતા મંદિરમાં ટૂંક સમયમાં અમલમાં મૂકશે.આ પહેલનો હેતુ મંદિરમાં ધરાવવામાં આવતા પ્રસાદનાં પેકેજિંગમાંથી સિંગલ-યુઝ્ડ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાનો છે.GPCB દ્વારા અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન પાસે તૈયાર કરવામાં આવેલા વિકલ્પોમાં શેરડીનાં વેસ્ટમાંથી બનાવવામાં આવેલા કન્ટેનર અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા ટીનનાં કન્ટેનરનો સમાવેશ થાય છે. આ પહેલનો હેતુ પ્લાસ્ટિક વેસ્ટને દૂર કરી યાત્રાધામોમાં ઇકો-ફ્રેન્ડલી વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવા અને પ્રસાદ વિતરણની પરંપરાના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્ત્વને જાળવી રાખવાનો પણ પ્રયાસ છે.

કાગળનાં બોક્સ અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય

સોમનાથ મંદિરમાં હવે પ્રસાદનું વિતરણ પ્લાસ્ટિકમુક્ત કાગળનાં બોક્સ અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા ટીનનાં ડબ્બામાં કરવામાં આવે છે.આ નવી ઇકો-ફ્રેન્ડલી પ્રસાદ પેકેજિંગ વ્યવસ્થાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 17 સપ્ટેમ્બરે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.સોમનાથ મંદિરમાં દરરોજ આશરે 4200 કિલોગ્રામ પ્રસાદનું વિતરણ લગભગ 27700 બોક્સ દ્વારા કરવામાં આવે છે.પ્લાસ્ટિકનાં પાત્રોને દૂર કરી, ટકાઉ વિકલ્પોનો ઉપયોગ કરવાથી દર વર્ષે 203 ટનથી વધુ પ્લાસ્ટિકનો વપરાશ અટકાવી શકાશે.સોમનાથ મંદિર ખાતે મળેલી સફળતાના આધારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આરાસુરી અંબાજી માતા મંદિરમાં પણ આવી જ પેકેજિંગ વ્યવસ્થા અમલમાં મૂકશે.

દર મહિને આશરે 10 લાખ બોક્સનું વિતરણ 

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે,અંબાજી મંદિરમાં સામાન્ય દિવસોમાં આશરે 15000 પ્લાસ્ટિકનાં પ્રસાદ બોક્સનો ઉપયોગ થાય છે, જ્યારે તહેવારો અને વિશેષ પ્રસંગોએ તેની માંગમાં નોંધપાત્ર વધારો થાય છે.દર મહિને આશરે 10 લાખ બોક્સનું વિતરણ કરવામાં આવે છે.જેના પરિણામે પેકેજિંગને કારણે અંદાજે 11299.5 કિલોગ્રામ પ્લાસ્ટિકનો કચરો પેદા થાય છે.અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું કે,પ્રસાદ વિતરણમાં ઇકોફ્રેન્ડલી વિકલ્પો અપવનાવવાથી અંબાજીમાં દર વર્ષે આશરે 135.6 ટન પ્લાસ્ટિકના કચરાને અટકાવી શકાશે.આ પેકેજિંગ વિકલ્પો પ્રસાદ વિતરણ માટે જરૂરી સ્વચ્છતા, કાર્યક્ષમતા અને સુવિધા જાળવી રાખવાની સાથે તેની સાંસ્કૃતિક ઓળખને પણ જાળવવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.