પોરબંદર વિધાનસભા વિસ્તારના પાયાના પ્રશ્નો અને માર્ગ સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દિલ્હીના પ્રવાસે પહોંચ્યા હતા.દિલ્હી ખાતે તેમણેકેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી સાથે એક ખાસ અને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.આ બેઠકમાં પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન પોરબંદર જિલ્લાના નેશનલ હાઈવે નેટવર્ક,ટ્રાફિક સમસ્યાઓ અને ચોમાસા દરમિયાન સર્જાતી જળબંબાકારની પરિસ્થિતિનો કાયમી ઉકેલ લાવવા અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

NH 51ની બંને બાજુ ડ્રેનેજની માંગ કરી

અર્જુન મોઢવાડિયાએ કેન્દ્રીય મંત્રી સમક્ષ વિસ્તારના અતિ મહત્વના માર્ગ અને ડ્રેનેજ પ્રોજેક્ટ્સ અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે નેશનલ હાઈવે-51 બાયપાસની બંને બાજુ યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાને કારણે સ્થાનિક લોકોને તથા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.આથી NH-51 બાયપાસની બંને તરફ સત્વરે મજબૂત અને કાર્યક્ષમ ડ્રેનેજ સિસ્ટમ તૈયાર કરવામાં આવે.આ ઉપરાંત પ્રસિદ્ધ યાત્રાધામ અને શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન હર્ષદ માતાજી માર્ગ પર પણ ચોમાસા દરમિયાન પાણી ભરાવાની મોટી સમસ્યા સર્જાય છે જેના નિવારણ અર્થે ત્યાં પણ યોગ્ય ડ્રેનેજ લાઈન અને ભૂગર્ભ નિકાલની વ્યવસ્થા ઊભી કરવા માટે ભારપૂર્વક અપીલ કરવામાં આવી હતી.

ટ્રાફિકની સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવા પર ખાસ ભાર મૂક્યો

માર્ગોના વિસ્તરણ અને કનેક્ટિવિટી વધારવા અંગે વાત કરતા ધારાસભ્યએ પોરબંદર જિલ્લામાંથી પસાર થતા મહત્વના રાષ્ટ્રીય ધોરીમાર્ગોને ફોર લેન કરવાની માંગ કરી હતી.તેમણે NH-151AD તેમજ NH-151Kને પહોળા કરીને 4 લેનમાં પરિવર્તિત કરવા માટે કેન્દ્રીય મંત્રીનું ધ્યાન દોર્યું હતું.વેપાર અને વાહનવ્યવહારની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ એવા NH-927Kને પણ 4 લેન કરવામાં આવે તો વિસ્તારના આર્થિક અને પ્રવાસન વિકાસને મોટો વેગ મળશે તેવી રજૂઆત કરવામાં આવી હતી. દિલ્હી ખાતે યોજાયેલી આ બેઠકમાં પોરબંદર અને તેની આસપાસના વિસ્તારમાં વધતા જતા વાહનવ્યવહારને ધ્યાનમાં રાખીને માર્ગ સુરક્ષા અને ટ્રાફિકની સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. અકસ્માતોનું પ્રમાણ ઘટે અને પ્રસાશન દ્વારા ટ્રાફિક નિયંત્રણ સરળતાથી થઈ શકે તે માટે હાઈવે ડિઝાઈન અને સુરક્ષા માપદંડોમાં જરૂરી સુધારા કરવાની તજવીજ હાથ ધરવા વિનંતી કરાઈ હતી.

આ પણ વાંચોઃ Monsoon 2026 : અમદાવાદ ગ્રામ્યમાં આફત, પંદર દિવસ વીતવા છતાં સોસાયટીઓમાં હજુ પણ વરસાદી પાણી યથાવત...