પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરહદે આવેલા બરડા વન્યજીવ અભયારણ્યને એશિયાટીક સિંહોના બીજા ઘર તરીકે વિકસાવવાની દિશામાં ગુજરાત સરકારે એક સીમાચિહ્નરૂપ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે બરડા અભયારણ્ય વિસ્તારમાં પેઢીઓથી વસવાટ કરતા સ્થાનિક માલધારી પરિવારોના સ્વૈચ્છિક સ્થળાંતર માટે વ્યાપક પુનર્વસન નીતિ જાહેર કરતો સત્તાવાર ઠરાવ બહાર પાડ્યો છે.
નેસડા છોડવા તૈયાર માલધારીઓને લોટરી
આ ઠરાવ મુજબ, જંગલ વિસ્તાર છોડીને બહાર વસવાટ કરવા સ્વેચ્છાએ તૈયાર થનારા દરેક પાત્ર માલધારી કુટુંબને રૂપિયા 15 લાખની એકમ રકમની આર્થિક સહાય અને રહેઠાણ માટે 100 ચોરસ વારનો પ્લોટ વિનામૂલ્યે ફાળવવામાં આવશે. સરકારના આ નિર્ણયથી એક તરફ વન્યજીવોના કુદરતી કોરિડોર માનવીય દખલ વગર સુરક્ષિત બનશે, તો બીજી તરફ માલધારી પરિવારો અને તેમનાં બાળકોને શિક્ષણ, આરોગ્ય અને આધુનિક સુવિધાઓથી સજ્જ મુખ્ય પ્રવાહનું જીવનધોરણ મળશે.

પુનર્વસન પેકેજના મુખ્ય મુદ્દાઓ અને જોગવાઈઓ
સ્થળાંતર માટે સહમત થનારા માલધારી પરિવારોને નવું જીવન શરૂ કરવા અને આજીવિકા મેળવવા માટે પરિવારદીઠ ₹15 લાખની આર્થિક સહાય ચૂકવવામાં આવશે. દરેક પુનઃસ્થાપિત કુટુંબને રહેઠાણના બાંધકામ માટે 100 ચોરસ વાર જમીન બિલકુલ મફતમાં આપવામાં આવશે. પશુપાલન સાથે જોડાયેલા અને માલઢોર ધરાવતા પરિવારોને તેમના ઢોર-ઢાંખર બાંધવા અને સાચવવા માટે પણ વધારાનો 100 ચોરસ વાર સુધીનો પ્લોટ ફાળવવાની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.માલધારીઓનું પુનર્વસન અભયારણ્ય તેમજ તેના ઇકો-સેન્સિટિવ ઝોન (Eco-Sensitive Zone) ની હદ બહાર કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈ કાનૂની કે પર્યાવરણીય અવરોધ ન આવે. આ પેકેજ સ્વીકારીને સ્થળાંતર કર્યા પછી સંબંધિત કુટુંબનો અભયારણ્યની અંદરની જમીન કે નેસડા પર કોઈપણ પ્રકારનો કાયદેસરનો હકદાવો કે અધિકાર રહેશે નહીં. સ્થળાંતરિત માલધારીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY), પશુપાલન સહાય, વીજળી, પાણી, રસ્તા અને કલ્યાણકારી યોજનાઓના લાભ આપવામાં પ્રથમ અગ્રતા (Priority) અપાશે.
વન્યજીવ સંરક્ષણ અને માલધારી કલ્યાણનો દ્વિપક્ષીય હેતુ
બરડાને ગીર પછી સિંહોના બીજા નેચરલ હેબિટેટ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. માનવ વસવાટ બહાર ખસવાથી માનવ-વન્યજીવ સંઘર્ષ સંપૂર્ણપણે અટકી જશે. જંગલના દુર્ગમ નેસડાઓમાં વીજળી, પાકા રસ્તા, હોસ્પિટલ અને શાળાઓ જેવી પાયાની સુવિધાઓનો અભાવ હોય છે. રેવન્યુ વિસ્તારમાં વસવાટ મળવાથી નવી પેઢીને શિક્ષણ અને આધુનિક સુવિધાઓ મળશે.
આ પણ વાંચો: Ahmedabad: શેલામાં PSI ના પત્નીના ગળામાંથી સોનાની ચેઈન ઝૂંટવી બાઈક સવારો ફરાર