ગાંધીનગર ખાતે કૃષિ ક્ષેત્રના ઉત્કૃષ્ટ પ્રદાન બદલ 'બેસ્ટ આત્મા એવોર્ડ' લાભાર્થી સન્માન કાર્યક્રમ અત્યંત ભવ્ય માહોલમાં યોજાઈ ગયો. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કૃષિ મંત્રી જીતુ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ખેડૂતોને પ્રોત્સાહન આપવા સાથે રાજ્યભરમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનોને યોગ્ય બજાર મળી રહે તે હેતુથી ૧૦૦ પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ મદદનીશ ખેતી નિયામક (વર્ગ-2) ના 14 નવનિયુક્ત ઉમેદવારોને મહાનુભાવોના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરાયા હતા.
સ્મિત મચ્છરના સાહસ અને સંસ્કારોને રાજ્યપાલે વંદન કર્યા
કાર્યક્રમને સંબોધતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિષમ પરિસ્થિતિમાં અદભુત સાહસ દાખવનાર ગુજરાતના બહાદુર બાળક સ્મિત મચ્છરને ખાસ યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ બાળકે સમગ્ર વિશ્વમાં દેશનું અને ગુજરાતનું નામ ગૌરવાન્વિત કર્યું છે.રાજ્યપાલે ભાવુક થતાં કહ્યું કે, "સ્મિત મચ્છરે પોતે જણાવ્યું હતું કે તે કપરા સમયે તે હનુમાન ચાલીસાનું પઠન કરી રહ્યો હતો. મુશ્કેલીની ક્ષણોમાં પણ જે બાળક ભગવાન અને સંસ્કારોને યાદ રાખે તે ખરેખર વંદનીય છે. આવા વીર પુરુષને જન્મ આપનારી માતા અને તેના પારિવારિક સંસ્કારોને હું પ્રણામ કરું છું."
વરસાદ, અલનીનો અને CMના સત્કર્મો પર રાજ્યપાલનું નિવેદન
રાજ્યમાં સિઝનના વરસાદ અને વાતાવરણ પર વાત કરતાં રાજ્યપાલે જણાવ્યું હતું કે, અલનીનોની અસરોને લીધે શરૂઆતમાં રાજ્યમાં વરસાદ ઘણો ઓછો જણાતો હતો અને ચિંતાનો માહોલ હતો. પરંતુ સદનસીબે છેલ્લે-છલ્લે સારો વરસાદ વરસી ગયો.તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કાર્યશૈલીને બિરદાવતાં રમૂજ સાથે ઉમેર્યું કે, "આ મુખ્યમંત્રીના પુણ્ય અને સત્કર્મોનું ફળ છે કે છેલ્લી ઘડીએ પણ મેઘરાજા મહેરબાન થઈ ગયા. આપણે જ્યારે સાચા દિલથી સારું કામ કરીએ છીએ ત્યારે ભગવાન પણ સાથ આપે છે. નરેન્દ્ર મોદી જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા ત્યારથી આજ દિન સુધી રાજ્યમાં ક્યારેય દુષ્કાળ પડ્યો નથી."
રમૂજભરી શૈલીમાં સંદેશ, ‘દારૂ નહીં, પ્રાકૃતિક ખેતીની પ્રેરણા આપો’
પોતાના સંબોધનના અંતે પ્રાકૃતિક કૃષિના પ્રખર હિમાયતી એવા રાજ્યપાલે ખેડૂતોને હળવી શૈલીમાં મોટો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, "પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોની એ નૈતિક જવાબદારી છે કે તેઓ અન્ય ખેડૂતોને પણ આ ઝેરમુક્ત ખેતી અપનાવવા પ્રેરિત કરે. સામાન્ય રીતે દુનિયામાં લોકો એકબીજાને દારૂ પીવા જેવી ખોટી આદતો માટે પ્રેરિત કરતા હોય છે, જ્યારે આપણે તો માનવજાત અને ધરતી માતાના કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતી જેવા પરમ પવિત્ર કાર્ય માટે ખેડૂતોને જોડવાના છે."
આ પણ વાંચો: Surat: સાગબારાના બફાટ બાદ ચારેકોર ઘેરાયા પૂર્વ CM; બ્રહ્મ સમાજ બાદ સુરતમાં જૈન-વાણિયા સમાજ મેદાને