કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ પિતા વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલો હવે શાંત પડવાને બદલે રસ્તા પર આવી ગયો છે. પાટનગર ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી જતાં વાતાવરણ અત્યંત તણાવપૂર્ણ બની ગયું હતું. પ્રદેશ ભાજપના અગ્રણી નેતાઓ અને કાર્યકરોએ ઘ-૫ સર્કલથી કોંગ્રેસ સમિતિ કાર્યાલય સુધી ૫૦૦ મીટર લાંબી આક્રોશ રેલી યોજીને જોરદાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. તો બીજી તરફ, કોંગ્રેસના કાર્યકરોએ પણ સામે આવીને ‘મેલોડી ચોકલેટ’ બતાવી અને રામધૂન બોલાવી ભાજપના વિરોધ સામે અનોખો વળતો પ્રહાર કર્યો હતો.

ઘ-૫ થી કોંગ્રેસ કાર્યાલય સુધી ભાજપનો ઉગ્ર મોરચો

ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને ગુજરાત પ્રદેશ પ્રભારી તરુણ ચૂઘના નેતૃત્વમાં અમદાવાદ અને ગાંધીનગરના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. કાર્યકરોએ ઘ-૫ સર્કલથી ગાંધીનગર કોંગ્રેસ સમિતિ કાર્યાલય સુધી 500 મીટર સુધી કૂચ કરી ખડગે અને ગાંધી પરિવાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.ભાજપ એસસી મોરચાના અધ્યક્ષ કિરીટ સોલંકીએ પ્રહાર કરતાં જણાવ્યું કે, "આ ઉંમરે મલ્લિકાર્જુન ખડગેના આવા નિવેદન પર દયા આવે છે. દેશ આજે સાચી દિશામાં વિકાસ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે કોંગ્રેસ સત્તા ગુમાવીને માત્ર વિરોધ પૂરતી સીમિત રહી ગઈ છે. રાહુલ ગાંધી અને તેમની ટીમ સતત અલોકતાંત્રિક રીતે વર્તી રહી છે અને પીએમના પરિવારનું અપમાન કરીને પોતાની નબળી માનસિકતા પ્રદર્શિત કરી રહી છે, જેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ."

સામે કોંગ્રેસનો અનોખો પલટવાર: ‘મેલોડી ચોકલેટ’ બતાવી રામધૂન ગાઈ

ભાજપના કાર્યકરો વિરોધ કરતા કોંગ્રેસ કાર્યાલય બહાર પહોંચ્યા ત્યારે કોંગ્રેસના કાર્યકરો પણ હાથમાં બેનરો અને ચોકલેટ લઈને સામસામે આવી ગયા હતા.કોંગ્રેસના આગેવાનોએ હાથમાં ‘મેલોડી ચોકલેટ’ લહેરાવીને કટાક્ષ કર્યો હતો કે, "ભાજપના નેતાઓ દેશની બહાર જઈને વિદેશોમાં ચોકલેટ વહેંચે છે, અમે અહીં એમના નેતાઓને ચોકલેટ આપી રહ્યા છીએ."ભાજપના નેતાઓને સદબુદ્ધિ મળે તે હેતુથી કોંગ્રેસી કાર્યકરોએ કાર્યાલય પરિસરમાં સામૂહિક રામધૂન ગાઈ હતી.કોંગ્રેસના નેતાઓએ વળતો પ્રહાર કરતાં જણાવ્યું કે, "ખડગેજીના નિવેદન પહેલાં ભાજપના જ નેતાઓએ વિપક્ષી નેતાઓ અને તેમના પરિવારો વિરુદ્ધ અસંખ્ય અભદ્ર નિવેદનો આપ્યા છે. રાજકારણમાં ગાળાગાળી અને કનિષ્ઠ સ્તરની કેડી ભાજપે પોતે જ કંડારી છે અને હવે તેઓ જ મુદ્દો બનાવીને વિરોધ કરવાનો ઢોંગ કરી રહ્યા છે."

આ પણ વાંચો: Narmada: એકતા પરેડ પહેલાં એકતાનગરમાં ડેન્ગ્યુનો કહેર; આસામથી આવેલા 40 પૈકી 21 જવાનો પોઝિટિવ, આરોગ્ય તંત્રમાં દોડધામ