ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે બાજી મારી છે. થરા અને ઓખા સહિત ગાંધીનગર મનપામાં પણ ભાજપે વિજય મેળવ્યો છે. આ ઉપરાંત પેટા ચૂંટણીમાં પણ દ્વારકા જિલ્લા પંચાયત સિવાયની બેઠકો પર ભાજપે મેદાન માર્યું છે. ત્યારે આ વખતે પણ ગાંધીનગરમાં ભાજપને સત્તા મળી છે. જ્યારે કોંગ્રેસનો વોટ શેર વધ્યો છે. ગત વખતે ગાંધીનગરમાં બેઠકો મેળવનાર આમ આદમી પાર્ટીનું આ વખતે ખાતું પણ ખૂલ્યું નથી. 

11 વોર્ડની કૂલ 44 બેઠકો પર મતદાન યોજાયું હતું

ગાંધીનગરમાં 11 વોર્ડની કૂલ 44 બેઠકો પર મતદાન યોજાયું હતું.130 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હતાં. આજે સવારથી જ મતગણતરી શરૂ થતાં ભાજપના ઉમેદવારો વલણોમાં આગળ રહ્યા હતાં.59.25 ટકા જેટલા થયેલા મતદાનમાં કોણ બાજી મારશે એવી અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી. પરંતુ આજે ફેંસલો આવી જતાં ભાજપના ઉમેદવારો ગેલમાં આવી ગયા હતાં. 44 બેઠકોમાંથી ભાજપે 38 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસના ફાળે આ વખતે પાંચ બેઠકો આવી છે. સૌથી ચર્ચિત બાબત એ છે કે આ વખતે એક અપક્ષ ઉમેદવાર સામાન્ય વર્ગ મહિલા અનામતમાં દીપિકાબા વાઘેલાનો પણ વિજય થયો છે. આ વખતે આમ આદમી પાર્ટીનો એક પણ ઉમેદવાર જીતી શક્યો નથી.  

ભાજપે 2021માં 41 બેઠકો પર વિજય મેળવ્યો હતો

મનપાના વોર્ડ નંબર 6માં કોંગ્રેસની આખી પેનલ વિજેતા બનતાં ભાજપે રિકાઉન્ટિંગની માગ કરી હતી. ત્યાર બાદ ફરીવાર મતગણતરી થતાં કોંગ્રેસની પેનલનો વિજય થયો હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ફાયદો થયો છે. 2021માં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર બે જ બેઠકો મળી હતી. જ્યારે આ ચૂંટણીમાં ભાજપને નુકસાન પહોંચ્યું છે. ભાજપે 2021માં 41 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જ્યારે આ વખતે ત્રણ બેઠકો ઓછી આવી છે. આ વખતે ગાંધીનગર મનપામાં કોંગ્રેસને વિપક્ષનું પદ મળશે. વિપક્ષના પદ માટે પાંચ બેઠકો જરૂરી હોવાથી પાંચ બેઠકો મળી છે. જેથી કોંગ્રેસને વિપક્ષનું પદ મળશે.  

આ પણ વાંચોઃ Rajkot: મેટોડા GIDCના પ્રમુખ પદનો નિર્ણય અધ્ધરતાલ; વર્તમાન પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાની અનિચ્છાથી પેચ ફસાયો