ગાંધીનગર શહેરના રાંદેસણ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલ ઊભા કરે તેવી એક ઘટના સામે આવી છે. શહેરના ભરચક્ક ગણાતા આ વિસ્તારમાં ધોળા દિવસે ચેઈન સ્નેચિંગની ઘટના બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે સવારે આશરે સાદા અગિયાર વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. રાંદેસણ વિસ્તારમાં આવેલી શુકુન સ્કાય સોસાયટીના પાછળના ગેટની બહારના રસ્તે એક વૃદ્ધ મહિલા ચાલીને જઈ રહ્યા હતા.
ચેઈન સ્નેચિંગ કરી બે લોકો ફરાર
વૃદ્ધ મહિલાની પાછળથી મોઢે રૂમાલ બાંધીને એક અજાણ્યો ચેઇન સ્નેચર ચાલતો ચાલતો તેમની નજીક આવ્યો હતો. પાછળ આવીને આ વ્યક્તિએ અચાનક વૃદ્ધાના ગળામાંથી સોનાનો દોરો (ચેઇન) ખેંચી લીધો અને ફરાર થઈ ગયો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ચેઇન ખેંચનાર વ્યક્તિ અને તેનો સાગરીત એક્ટિવા પર ત્યાંથી ભાગી છૂટ્યા હતા. બે લોકો એક્ટિવા પર જતા હોય તેવા દૃશ્યો પોલીસે મેળવ્યા છે.










