વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહેલા ચેપી રોગો અને એન્ટિબાયોટિક્સને બેઅસર બનાવતા એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ-AMRના સાયલન્ટ ખતરા સામે લડવા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે તબીબી જગતનું વૈજ્ઞાનિક મંથન શરૂ કરવામાં આવ્યું છે.જે અંતર્ગત ક્લિનિકલ ઇન્ફેક્શિયસ ડિસીઝ સોસાયટી-CIDS દ્વારા આયોજિત ૧૬મી વાર્ષિક પરિષદ Clinical Infectious Diseases Society Conference-CIDSCON 2026નું ઉદ્ઘાટન આજે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદની મુખ્ય થીમ “Addressing AMR:From Awareness to Action રાખવામાં આવી છે. 

એન્ટીબાયોટીક્સનો આડેધડ વપરાશ મોટુ જોખમ

નાના ક્લિનિક્સ અને તબીબો દ્વારા નાની-મોટી બીમારીઓમાં હાઇ-ડોઝ કે વધારે પાવરવાળી એન્ટીબાયોટીક્સ લખવાના વલણ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે,એન્ટીબાયોટીક્સનો આડેધડ વપરાશ ભવિષ્યમાં જનસ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની શકશે. આ સમસ્યાના નિવારણ અર્થે રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં એલોપેથિક, આયુર્વેદિક અને હોમિયોપેથિક સહિત તમામ તબીબી પદ્ધતિના ડોક્ટરોને સાંકળીને રાજ્યવ્યાપી જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવશે.

ફાર્માસિસ્ટ્સ અને પ્રત્યેક નાગરિકની સહિયારી જવાબદારી

મંત્રી પાનશેરીયાએ જણાવ્યું હતું કે,તબીબી સલાહ વિના જાતે દવાઓ લેવાની ટેવના કારણે ન્યુમોનિયા અને યુરીનરી ઇન્ફેક્શન જેવા સામાન્ય રોગોમાં પણ એન્ટીબાયોટીક્સ દવાઓની અસર મનુષ્યના શરીરમાં ઘટી રહી છે. દર્દીઓ એન્ટીબાયોટીકનો કોર્સ અધૂરો ન છોડે તે માટે તેમને જાગૃત કરવા ડોક્ટરોને મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આહ્વાન કર્યું હતું.એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ સામેની લડાઈ એ માત્ર આરોગ્ય વિભાગ પૂરતી સીમિત નથી, પરંતુ રાજ્યના તમામ તબીબો, હોસ્પિટલો, ફાર્માસિસ્ટ્સ અને પ્રત્યેક નાગરિકની સહિયારી જવાબદારી છે.

મોનિટરિંગને વધુ સઘન અને અસરકારક બનાવાશે

હોસ્પિટલોમાં ‘એન્ટીમાઇક્રોબાયલ સ્ટેવાર્ડશિપ’ અને ઇન્ફેક્શન કંટ્રોલ સિસ્ટમને વધુ મજબૂત બનાવવી આજના સમયની મુખ્ય જરૂરિયાત છે. રાજ્યમાં રોગોના આગોતરા નિયંત્રણ માટે ‘ગુજરાત સ્ટેટ AMR સર્વેલન્સ નેટવર્ક’ અને ‘AMR ડેશબોર્ડ’ જેવા આધુનિક ડિજિટલ માધ્યમો દ્વારા પૂર્વ-ચેતવણી સર્વેલન્સ તથા પ્રયોગશાળા આધારિત મોનિટરિંગને વધુ સઘન અને અસરકારક બનાવવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક તંદુરસ્તીની અગત્યતા પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોરોના જેવા વૈશ્વિક સંક્રમણો અને આધુનિક જીવનશૈલીના તણાવ વચ્ચે માનસિક રીતે મજબૂત બનવું ખૂબ જરૂરી છે. 

આ પણ વાંચોઃ Surat News: કામરેજમાં હાઈજીનના અભાવે ફૂડ વિભાગે બે હોટલો સીલ કરી દીધી,ખાણીપીણીના એકમોમાં ફફડાટ