રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બે દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.જેનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ઉપરાંત મુખ્ય સચિવ એમ.કે.દાસ અને વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ શિબિરમાં રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રસ્તાઓની ગુણવત્તા,નવી ટેકનોલોજીનો ઉપયોગ અને વહીવટી કાર્યક્ષમતા વધારવા અંગે ગહન ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.

ખરાબ કામો અને ખાડાઓ માટે મારે જ સાંભળવાનું

ચિંતન શિબિરમાં સંબોધન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યંત સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે,માર્ગ અને મકાન વિભાગે પોતાની કામગીરીમાં ગુણવત્તા સાથે સહેજ પણ બાંધછોડ ન કરવી જોઈએ.જો તમારા સારા કામોની ક્રેડિટ મને મળતી હોય તો ખરાબ કામો અને ખાડાઓ માટે પણ મારે જ સાંભળવું પડે છે.ભૂલ થાય તો સમજી શકાય પરંતુ જાણી જોઈને કરવામાં આવતી બેદરકારી ચલાવી લેવાશે નહીં.મુખ્યમંત્રીએ ટેન્ડર પ્રક્રિયા પર ભાર મુકતા કહ્યું કે,જ્યારે કોઈ ખૂબ નીચું ટેન્ડર ભરે ત્યારે જ વિચારવું જોઈએ કે આટલા ઓછા બજેટમાં ગુણવત્તાયુક્ત કામ કેવી રીતે શક્ય બનશે.તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી કે પોતાના દાયરામાં આવતા કામો સ્વતંત્ર રીતે અને સમયસર પૂર્ણ કરવા જોઈએ.જેના માટે ઉપરથી સત્તાધીશોના ફોન આવે તેની રાહ ન જોવી જોઈએ.

નાની ભૂલ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે

મુખ્ય સચિવ એમ.કે.દાસે જણાવ્યું હતું કે,માર્ગ અને મકાન વિભાગ એ મહેસૂલ અને કાયદા વિભાગ જેટલો જ પૌરાણિક સમયથી ચાલ્યો આવતો જૂનો વિભાગ છે. રામાયણ કાળમાં નલ અને નીલ દ્વારા નિર્મિત રામસેતુથી લઈને હિમાલયના પ્રાચીન બ્રિજ સુધીનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં મળે છે.વર્તમાન સમયની જરૂરિયાતો અંગે વાત કરતા તેમણે કહ્યું કે,હવે રાજ્યમાં વાહનોની સંખ્યા અને રસ્તા પર વજન સતત વધી રહ્યું છે.ત્યારે આપણી કાર્યક્ષમતા અને ક્ષમતા પણ વધારવી પડશે. લોકો હવે વિદેશી માર્ગો સાથે સીધી સરખામણી કરે છે અને નાની ભૂલ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે.

નાગરિકોની અપેક્ષાઓ પૂરી કરવી એ પ્રાથમિકતા

કાળી માટીના કારણે રસ્તાઓ ખરાબ થવાના બહાનાઓને ફગાવતા તેમણે ટાંક્યું હતું કે, જો માનવી ચંદ્ર પર પહોંચી શકતો હોય તો કાળી માટીમાં પણ શ્રેષ્ઠ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટકાઉ રસ્તા બનાવી શકાય છે.કોન્ટ્રાક્ટરો પાસેથી ગુણવત્તાયુક્ત અને ઝડપી કામ લેવું એ વિભાગની જવાબદારી છે.ખોટું ન થાય અને ખોટું ચલાવી ન લેવાય તે જ આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય છે.બજેટમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે નાગરિકોની અપેક્ષાઓ પૂરી કરવી એ પ્રાથમિકતા રહેવી જોઈએ.

આ પણ વાંચોઃ Nana Patekar : 4 દિવસ પહેલા જ નાના પાટેકરે કહ્યું હતું, જવાનું તો બધાએ છે, હું પણ કાલે હોઉં કે ના હોઉં