ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકારણ ગરમાયું છે અને પોસ્ટરવોર શરૂ થઈ ગયું છે.જેમાં બે દિવસ પહેલા મોડી રાત્રે કારમાં આવેલા અજાણ્યા શખસો દ્વારા એક અપક્ષ ઉમેદવારના પ્રચાર બેનરો અને પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા હતા.આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોસ્ટર કોને અને કેમ ફાડ્યા તેની પણ ચર્ચાઓ શરૂ થઈ જવા પામી છે. હવે કોંગ્રેસના ઉમેદવારના પોસ્ટરો ફાટતા મામલો વધુ ઉગ્ર બન્યો છે. 

ગાંધીનગરમાં કોંગ્રેસના ઉમેદવારના બેનર ફાડ્યા

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર સાતમાં કોંગ્રેસના ઉમેદવારના પોસ્ટર ફાડ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. જેને લઈને કોંગ્રેસના નેતાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ સમગ્ર મામલે રેન્જ આઈજીને લેખિતમાં રજૂઆત કરી હતી. ચૂંટણી પ્રચારની સામગ્રીને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવાયો હતો. કોંગ્રેસે આ મામલે પોલીસ ફરિયાદ કરવા સુધીની તૈયારી કરી હતી. ગાંધીનગર રેન્જ આઈજીની કચેરીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, નૌશાદ સોલંકી અને સ્થાનિક આગેવાનો પહોંચ્યા હતાં અને રજૂઆત કરી હતી. 

40 જેટલા બેનરો અને બોર્ડ ફાડી નાંખવામાં આવ્યા

આ સમગ્ર મામલે કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું હતું કે, કોલવડા ખાતે ભાજપના ઉમેદવારોએ કોંગ્રેસના બેનરો ફાડ્યા છે. અમારા 35થી 40 જેટલા બેનરો અને બોર્ડ ફાડી નાંખવામાં આવ્યા છે. અમારી ગાડી જ્યારે પ્રચારમાં જાય છે ત્યારે ડીજે બંધ કરાવી દેવામાં આવે છે. ભાજપે ગૂંડાઓ અને બુટલેગરોને ટિકિટ આપી છે. કિરીટ પટેલે કહ્યું હતું કે, ભાજપને જો આ પ્રકારે ચૂંટણી લડવી હોય તો અમને પણ આવડે છે. રેન્જ આઈજીએ હવે આવું નહીં થાય તેવી ખાતરી આપી છે.

આ પણ વાંચોઃ Gandhinagar News: મનપાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારના પોસ્ટર ફાડ્યા, વોર્ડ 11માં ચૂંટણી બહિષ્કારની જાહેરાત