ગાંધીનગર ખાતે કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર અને પોલીસની કામગીરી સામે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.કોંગ્રેસ પક્ષના નેતાઓ સામે પોલીસ તંત્ર દ્વારા એક પછી એક ખોટી ફરિયાદો નોંધવામાં આવી હોવાના મુદ્દે પક્ષના અગ્રણીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થઈને પોલીસ ભવન પાસે પહોંચ્યા હતા અને સરકારની નીતિ સામે સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.આ સમગ્ર પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ પક્ષે ગંભીર આક્ષેપ કર્યો હતો કે વિરોધ પક્ષના નેતાઓને દબાવવા અને તેમને સતત હેરાન કરવા માટે જાણીજોઈને ફરિયાદો દાખલ કરવામાં આવી રહી છે.આ હેરાનગતિ બંધ થાય તે માટે કોંગ્રેસના આગેવાનો ડીજીપી કચેરી તરફ કૂચ કરવા માટે આગળ વધ્યા હતા.
અત્યંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
કોંગ્રેસની આ કૂચ અને વિરોધ પ્રદર્શનના પગલે પાટનગરમાં પોલીસ તંત્ર સંપૂર્ણપણે હરકતમાં આવી ગયું હતું.ઘર્ષણ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ડીજીપી કચેરી તરફ જવાના તમામ મુખ્ય માર્ગો પર અત્યંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.વિરોધને પગલે ડીજીપી કચેરી બહાર જાણે મજબૂત કિલ્લેબંધી કરી દેવામાં આવી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.પોલીસ ભવન આસપાસ પોલીસ જવાનોનો મોટો કાફલો તૈનાત કરી દેવાયો હતો.જેથી કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને અને પ્રદર્શનકારીઓને કચેરીમાં પ્રવેશતા અટકાવી શકાય.કોંગ્રેસના આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પોતાના નેતાઓ સામે થઈ રહેલી અન્યાયી કાર્યવાહી અને હેરાનગતિના વિરોધમાં રાજ્યના પોલીસ વડાને રૂબરૂ આવેદનપત્ર આપીને પોતાની રજૂઆત કરશે.
