રાજ્યમાં કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાન અને સરકારના ₹10,000 કરોડના રાહત પેકેજ પર સહકારી ક્ષેત્રના અગ્રણી નેતા દિલીપ સંઘાણીએ નિવેદન આપ્યું છે. તેમણે સરકારી સહાયનો બચાવ કરવાની સાથે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.
કૃષિ પેકેજ પર સહકારી નેતા સંઘાણીનું નિવેદન
દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું, જેના કારણે ખેડૂતો ખુબ ચિંતિત હતા. સરકારે તરત જ નુકસાનીનો સર્વે હાથ ધર્યો. તેમણે સરકારની કામગીરીની પ્રશંસા કરતા કહ્યું મુખ્યમંત્રી અને મંત્રીઓ પોતે ખેતરોમાં ગયા હતા. સરકારે ટૂંકા સમયમાં સર્વે પૂરો કર્યો અને ₹10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું. જોકે, સંઘાણીએ વાસ્તવિકતા સ્વીકારતા કહ્યું કે, "પૂર્ણ રીતે કોઈ આફતની મદદ થતી નથી." એટલે કે, જાહેર થયેલી સહાય સંપૂર્ણ નુકસાનની ભરપાઈ કરી શકતી નથી, પરંતુ તે ખેડૂતોને મોટી રાહત આપશે.
આવતીકાલથી ₹15,000 કરોડની જણસોની ખરીદી
સંઘાણીએ રાહત પેકેજની સાથે-સાથે ખેડૂતોને થનારા અન્ય ફાયદાઓ પર ભાર મૂક્યો. તેમણે જાહેરાત કરી કે આવતીકાલથી ₹15,000 કરોડની મગફળી સહિત અન્ય જણસોની ટેકાના ભાવે ખરીદી શરૂ થવાની છે, જેનાથી ખેડૂતોને મોટો ફાયદો થશે. ખરીદી માટે ગુજકોમાસોલને 22 જિલ્લાઓ ફાળવવામાં આવ્યા છે અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, વર્તમાન સરકાર ખેડૂતો વાવેતર કરે તે પહેલા જ ટેકાના ભાવ જાહેર કરી દે છે.
મુખ્યમંત્રી અને મંત્રીઓ ખેતરમાં ગયા હતા
સંઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસને યાદ કરાવવું છે કે તેમના સમયમાં જ્યારે મુશ્કેલી આવતી, ત્યારે બજાર કિંમત કરતાં ઓછા ભાવે પાક લેવામાં આવતો હતો. જો ખેડૂતો ઓછા ભાવે પાક ન આપે તો પોલીસ ફરિયાદ પણ કરાતી હતી. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના સમયે ખેડૂતો પર અત્યાચાર કરવામાં બાકી રખાયું નહોતું. આમ, દિલીપ સંઘાણીએ સરકારના પેકેજને સંપૂર્ણ ન ગણાવતા પણ તેની જરૂરિયાત અને કોંગ્રેસના શાસન કરતાં વર્તમાન વ્યવસ્થાને વધુ સારી ગણાવી હતી.









