દહેગામ તાલુકાના બહીયલમાં ત્રીજા નોરતે ગરબા ઉપર પથ્થરમારા સાથે તોફાન થયું હતુ. પથ્થરમારો, આગચંપી, તોડફોડ સહિતની ઘટનાને પગલે ગામમાં અશાંતિ છવાઈ ગઈ હતી.
હિંસક ટોળાએ પ્રાણઘાતક હથિયારો સાથે આંતક મચાવ્યો હતો. સમગ્ર મુદ્દે 83 જેટલા લોકો સામે નામજોગ તેમજ 200થી વધુના ટોળા સામે ગુનો નોંધાયો હતો. સમગ્ર મામલે ઉપસરપંચ અબ્દુલકાદીર ગુલામનબી ચૌહાણની સંડોવણી ખુલતા પોલીસે તેની ધરપકડ કરી હતી. જેને પગલે સમગ્ર મુદ્દે બહીયલ ગ્રામ પંચાયત દ્વારા દહેગામ પીઆઈ પાસેથી પોલીસ કાર્યવાહીની વિગતો માંગી હતી. આરોપીની ધરપકડ સહિતની તમામ વિગતો સાથે દહેગામ તાલુકા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને દરખાસ્ત મોકલી આપી હતી. જેમાં ઉપ સરપંચ જેલ હવાલે હોવાાથી હોદ્દા ઉપરથી મોકુફ રાખવા અનિવાર્ય તાત્કાલિક અસરથી હુકમ કરવા દરખાસ્ત કરાઈ હતી. જે અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારી બી. જે. પટેલે બહીયલ ઉપસરપંચને સસ્પેન્ડ કર્યા છે. એટલે કે હાલ તે ઉપસરપંચનો કોઈ હોદ્દો ભોગવી શકશે નહીં. જામીન ઉપર બહાર આવ્યા બાદ પરત લેવા કે નહીં તે અંગે નિયમ મુજબ કાર્યવાહી થશે.










