રાજ્યના નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોનો સ્થાનિક કક્ષાએ જ સત્વરે અને સમયસર નિકાલ થાય તે માટે રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિક દ્વારા એક હુકમ જારી કરવામાં આવ્યો છે. આ હુકમનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસની કામગીરીને વધુ પ્રજાલક્ષી બનાવવાનો અને અરજદારોને ન્યાય મેળવવા માટે છેક ગાંધીનગર સુધી આવવું ન પડે તેવી મજબૂત વ્યવસ્થા ઊભી કરવાનો છે. હવેથી રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓથી લઈને પોલીસ સ્ટેશનના થાણા અમલદારો માટે સ્થાનિક સ્તરે જ પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે ફરજિયાત દરરોજ બે કલાક ફાળવવાનો કડક આદેશ કરવામાં આવ્યો છે.
ફરિયાદીઓને મળવા માટે રોજ બે કલાક ફાળવવા પડશે
આજે રાજ્યના પોલીસવડા જી.એસ. મલિકની અધ્યક્ષતામાં એક વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તમામ જિલ્લાના એસપી અને કમિશનર જોડાયા હતાં. આ ઉપરાંત DySPથી લઈને રેન્જ IG સુધીના અધિકારીઓ જોડાયા હતાં. આ કોન્ફરન્સમાં રાજ્યના પોલીસ વડાએ પોલીસ અધિકારીઓને આદેશ આપ્યો હતો. ફરિયાદીઓને મળવા માટે રોજ બે કલાક ફાળવવા પડશે. આ ઉપરાંત દરેક જિલ્લામાં સીસીટીવીનું નેટવર્ક વધારવાનો પણ તેમણે આદેશ કર્યો હતો.













