ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીના પ્રક્રિયામાં મેન્ટેડ વગરના,ભૂલ ભરેલા ફોર્મ, ત્રણ બાળકો સહિતના કારણોથી 65 જેટલા ફોર્મ રદ કરાયા હતા.11 વોર્ડની 44 બેઠકો માટે 203 ફોર્મ ભરાયા હતા.જેમાંથી 65 ફોર્મ રદ થતા હાલની સ્થિતિએ 138 ઉમેદવારો મેદાને રહ્યા છે.આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી જો કોઈ ફોર્મ પરત ખેંચાય તો હરિફ ઉમેદવારોનો આંકડો હજુ ઘટી શકે છે. ઉમેદવારો આજે બપોરે ત્રણ વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
ભાજપના ચાર ડમી ઉમેદવારોના ફોર્મ રદ
વોર્ડ વાઈઝ વાત કરીએ તો વોર્ડ-1 માં 17 ફોર્મ ભરાયા હતા.જેમાં ભાજપના ચાર ડમી ઉમેદવારોના ફોર્મ રદ થતાં 13 ઉમેદવારો બાકી રહ્યા છે.વોર્ડ નંબર-2માં ભરાયેલા 23 ફોર્મ પૈકી 9 ફોર્મ રદ કરાયા છે.જેમાં ભાજપના ચાર ડમી,કોંગ્રેસના ત્રણ ડમી ફોર્મ ઉડી ગયા છે.આ સિવાય આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રવિણભાઈ ખોડાભાઈ દંતાણીનું ફોર્મ ત્રણ બાળકો હોવાને પગલે ફોર્મ કરાયું છે.જ્યારે રાષ્ટ્રીય લોકદળ પક્ષમાંથી ભરાયેલું ફોર્મ પુરતા ટેકેદારોના અભાવે રદ થયું છે.હવે આ વોર્ડમાં 14 ઉમેદવારો મેદાને રહ્યા છે.વોર્ડ-૩માં 17 ફોર્મમાંથી ભાજપના ચાર અને આમ આદમી પાર્ટીનું એક ડમી ઉમેદવારનું ફોર્મ મેન્ટેડના ન હોવાથી રદ કરાયું છે.પાંચ ફોર્મ રદ થતાં હવે અહીં 12 ઉમેદવારો બાકી રહ્યા છે.
16 ઉમેદવારોમાં એક બસપા અને ત્રણ અપક્ષનો સમાવેશ
વોર્ડ નંબર-4માં ભરાયેલા 25 ફોર્મ પૈકી ભાજપ-કોંગ્રેસના ચાર-ચાર ડમી ઉપરાંત ચાર અપક્ષના ફોર્મ રદ થઈ ગયા છે.ચારેય અપક્ષના ફોર્મ ટેકેદારોના અભાવે રદ કરાયા હોવાની વિગતો છે. વોર્ડ નંબર પાંચમાં 18 ફોર્મ પૈકી 6 ફોર્મ રદ કરાયા છે.જેમાં ભાજપના ચાર ડમી, કોંગ્રેસનું એક ડમી ફોર્મ ઉડી ગયું છે.જ્યારે આમ આદમી પાર્ટીના જીતેન્દ્રસિંહ કેશરીસિંહ ચૌહાણનું ફોર્મ મેન્ડેટના અભાવે રદ કરી દેવાયું હતું.જેને પગલે હવે આ વોર્ડમાં 12 ઉમેદવારો મેદાને રહ્યા છે.વોર્ડ 6માં 21 ફોર્મમાંથી પાંચ રદ થયા છે.જેમાં ભાજપના ત્રણ, યુથ ઇન્ડિયા પીસ પાર્ટીના બે ફોર્મ થયા છે.16 ઉમેદવારોમાં એક બસપા અને ત્રણ અપક્ષનો સમાવેશ થાય છે.વોર્ડ 7માં 15 ફોર્મમાં પૈકી ભાજપના ત્રણ અને કોંગ્રેસનું એક ડમી ફોર્મ રદ થયા હવે 11 ઉમેદવારો બાકી રહ્યા છે.
કોર્ટમાંથી સજા થઈ હોવાના કારણે ફોર્મ રદ
વોર્ડ 8માં 18 ફોર્મ પૈકી પાંચ ફોર્મ રદ થયા છે.જેમાં ભાજપના ચાર ડમી તથા રાષ્ટ્રીય લોકદળ પાર્ટીનું એક ફોર્મ પુરતા ટેકેદારો ન હોવાથી રદ 13 માન્ય ઉમેદવારો રહ્યા છે.વોર્ડ 9માં 17 ફોર્મમાંથી 6 ફોર્મ ચકાસણીના અંતે રદ કરાયા છે.જેમાં ભાજપના ચાર અને કોંગ્રેસના એક ડમી ઉમેદવાર સાથે આપનું એક ફોર્મ ઉડી ગયું છે. આમ આદમી પાર્ટીના ભૂમિકા પ્રજ્ઞેશભાઈ વાઘેલાનું ફોર્મ એફિડેવિટ રજૂ ન થયું હોવાથી રદ કરાયું છે.હવે આ વોર્ડમાં 11 ઉમેદવારો બાકી રહ્યા છે.વોર્ડ નંબર-10માં ભરાયેલા 17 ફોર્મ પૈકી પાંચ કેન્સલ કરાયા છે.જેમાં ભાજપના ચાર ડમી ફોર્મ સાથે આમ આદમી પાર્ટીના ડો.હાર્દિક તલાટીનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે.આ ઉમેદવારને કોર્ટમાંથી સજા થઈ હોવાના કારણે ફોર્મ રદ થયું હોવાનું જાણવા મળ્યું છે.આ તરફ વોર્ડ 11માં 15 ઉમેદવારોમાંથી ભાજપના ચાર ડમી ફોર્મ રદ થતા 11 માન્ય રહ્યા છે.
આ પણ વાંચોઃ Gujarat Latest News Live: રાજ્યમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું, આગામી 3 દિવસ વરસાદની આગાહી