રાજ્ય સરકારે ગુજરાતને વૈશ્વિક નિકાસ ક્ષેત્રે વધુ મજબૂત સ્થાન અપાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પહેલ કરી છે.રાજ્યમાં ઉત્પાદિત થતી ચીજવસ્તુઓ અને સેવાઓને આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ વ્યાપક ઓળખ અપાવવા તથા નાના-મોટા ઉદ્યોગોને વૈશ્વિક વેપારની તકોનો લાભ મળે તે માટે ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ નામની વિશેષ હેતુવાળી સંસ્થાસ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યના નિકાસલક્ષી પ્રયાસોને સમર્પિત સંસ્થાકીય માળખું મળશે.3 નવેમ્બર, 2026ના ઠરાવ અનુસાર GEPCની સ્થાપના કંપની અધિનિયમ, 2013ની કલમ-8 હેઠળ રાજ્ય સરકારની સંપૂર્ણ માલિકીની બિનનફાકારક પ્રાઇવેટ લિમિટેડ કંપની તરીકે કરવામાં આવશે.
નિકાસ વિકાસને ઔદ્યોગિક વિકાસની વ્યૂહરચના સાથે જોડવાનો પ્રયાસ
ગુજરાતના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની સ્પર્ધાત્મકતા વધારવા માટે રચાયેલી ટાસ્ક ફોર્સ કમિટીએ નિકાસ વિકાસને રાજ્યના ઔદ્યોગિક વિકાસના ત્રણ મુખ્ય આધારસ્તંભ પૈકીનો એક ગણાવ્યો હતો. ભારતને 5 ટ્રિલિયન અમેરિકન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાના લક્ષ્યમાં ગુજરાતની ભૂમિકા મજબૂત કરવા તૈયાર કરાયેલા અહેવાલમાં નિકાસ માટે સમર્પિત સંસ્થાની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી.આ જ દિશામાં ગુજરાત રાજ્ય ઇન્સટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન દ્વારા મે 2025માં એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની સ્થાપના અંગે અહેવાલ તૈયાર કરાયો હતો.ત્યારબાદ તે બાબતે ઉદ્યોગ કમિશનરેટની દરખાસ્તને રાજ્ય સરકારે મંજૂરી આપી છે.
MSME અને સ્ટાર્ટઅપ્સને વૈશ્વિક બજારમાં પ્રવેશ માટે સહયોગ
GEPCનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના MSME એકમો, સ્ટાર્ટઅપ્સ અને અન્ય ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડવાનો છે. નાના અને મધ્યમ ઉદ્યોગો ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરતા હોવા છતાં વિદેશી બજારની માંગ, નિકાસ પ્રક્રિયા, આંતરરાષ્ટ્રીય નિયમો અને જરૂરી પ્રમાણપત્રોની જાણકારીના અભાવે નિકાસની પૂરતી તકો મેળવી શકતા નથી. GEPC આવા ઉદ્યોગોને બજારની ઓળખ, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પ્રવેશવાની વ્યૂહરચના, બિઝનેસ કન્સલ્ટન્સી, મેન્ટરિંગ અને હેન્ડહોલ્ડિંગ જેવી સેવાઓ પૂરી પાડશે. ઉદ્યોગસાહસિકો અને નિકાસકારોની ક્ષમતા વધારવા તાલીમ, વર્કશોપ, સેમિનાર અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો પણ યોજવામાં આવશે. આ ઉપરાંત દેશ-વિદેશના વેપાર મેળા અને માર્કેટિંગ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે સરકારી સંસ્થાઓ તથા વેપારી સંગઠનોના સહયોગથી તકો ઊભી કરવામાં આવશે.
ફાઇનાન્સ અને લોજિસ્ટિક્સ સુધીની સુવિધાઓ
નિકાસની સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવવા GEPC દ્વારા ડિજિટલ ટ્રેડ પ્લેટફોર્મ, એક્સપોર્ટર પોર્ટલ, કોમન ફેસિલિટી સેન્ટર,ઇન્ક્યુબેશન સેન્ટર, ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન સુવિધાઓ તથા લોજિસ્ટિક્સ સપોર્ટ સિસ્ટમ વિકસાવવાનો ઉદ્દેશ છે.નિકાસકારોને ઉત્પાદનની ગુણવત્તા ચકાસણી,આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્રો, ટ્રેડ ફાઇનાન્સ, વીમા, માલ મોકલતા પહેલાં અને મોકલ્યા બાદની નાણાકીય સુવિધાઓ તથા સપ્લાય ચેઇન સંબંધિત સહયોગ મળશે.આ સાથે માર્કેટ ઇન્ટેલિજન્સ, ટ્રેડ એનાલિટિક્સ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ, બ્રાન્ડિંગ અને આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવશે.
મેડ ઇન ગુજરાત’ને વૈશ્વિક બ્રાન્ડ બનાવવાની પહેલ
ગુજરાતના ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવવા વૈશ્વિક બ્રાન્ડિંગ અને માર્કેટિંગ અભિયાનો હાથ ધરવામાં આવશે.વિદેશી બજારોમાં ગ્રાહકોમાં ગુજરાતનાં ઉત્પાદનો અંગે જાગૃતિ વધારવા તથા આંતરરાષ્ટ્રીય વેપાર અને રોકાણની ભાગીદારી વિકસાવવા પ્રયાસો કરાશે.નિકાસ વધારવાની સાથે આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે પણ GEPC કામગીરી કરશે. આયાત આધારિત મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોની ઓળખ કરીને સ્થાનિક વિકલ્પો વિકસાવવા ઉત્પાદકોને ટેક્નિકલ, નાણાકીય અને સલાહકારી સહયોગ આપવામાં આવશે. તેનાથી સ્થાનિક ઉત્પાદન ક્ષમતાને મજબૂત બનાવવામાં મદદ મળશે.
રાજ્ય સરકારની સંપૂર્ણ માલિકીની કંપની તરીકે કાર્યરત થશે GEPC
GEPCની પ્રારંભિક અધિકૃત મૂડી અને પેઇડ-અપ મૂડી રૂ. 1 લાખ નક્કી કરવામાં આવી છે. કંપનીની 100 ટકા શેર મૂડી ગુજરાતના રાજ્યપાલશ્રીના નામે રાજ્ય સરકારના અધિકૃત નોમિનીઓ દ્વારા રાખવામાં આવશે. કાયદાકીય જોગવાઈઓ અનુસાર કંપનીને ભવિષ્યમાં ભંડોળ ઊભું કરવાની અને બેન્કો તથા નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન મેળવવાની સત્તા રહેશે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ઓછામાં ઓછા ત્રણ અને વધુમાં વધુ 15 સભ્યો રહેશે. રાજ્યના મુખ્ય સચિવશ્રી બોર્ડના અધ્યક્ષ અને ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ/અગ્ર સચિવ/સચિવ ઉપાધ્યક્ષ રહેશે. ઉદ્યોગ કમિશનર મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામગીરી સંભાળશે. બોર્ડમાં બંદરો અને વાહનવ્યવહાર, કુટિર અને ગ્રામોદ્યોગ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, MSME કમિશનર, GIDC, iNDEXTb, ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ તથા નાણાં વિભાગના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Gandhinagar News: રાજ્ય સરકારે વર્ષ 2027ની રજાઓનું કેલેન્ડર જાહેર કર્યું, જાણો કઈ કઈ રજાઓ મળશે