ગુજરાતમાં વિવિધ સરકારી યોજનાઓ અને વિભાગોમાં વર્ષોથી વિવાદના કેન્દ્રમાં રહેલી ‘ફિક્સ પે’ (નિયત વેતન) પ્રથા સામે વધુ એક વખત બળવો ફાટી નીકળવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજ્યના હજારો યુવા કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતા વધુ એક મોટા સંગઠને સરકાર સામે આરપારની લડાઈનું રણશિંગું ફૂંકી દીધું છે. "ફિક્સ પે નીતિ એ શિક્ષિત યુવાધનનું સીધું શોષણ છે" તેવા સ્પષ્ટ આક્ષેપ સાથે કર્મચારીઓ ઉગ્ર આંદોલનના મૂડમાં આવી ગયા છે. આ લડતને વેગ આપવા સોશિયલ મીડિયામાં આંદોલનની તારીખો અને સચિવાલય ઘેરાવના મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેને પગલે ગાંધીનગર પોલીસ અને રાજ્યનું વહીવટી તંત્ર તાબડતોબ એલર્ટ મોડમાં આવી ગયું છે અને સચિવાલય તરફ જતા તમામ રસ્તાઓ પર લોખંડી બેરિકેટિંગ ગોઠવી દેવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયાથી જાગી લડત
ફિક્સ પગારના વિરોધમાં કર્મચારી સંગઠનો દ્વારા વિવિધ વોટ્સએપ ગ્રુપ્સ, ફેસબુક અને ટ્વિટર પર સચિવાલય પહોંચવા માટેના મેસેજ સતત વહેતા કરવામાં આવ્યા છે, જેના પગલે ગુપ્તચર વિભાગ (IB) પણ સક્રિય બન્યું છે. કોઈ પણ અણધારી પરિસ્થિતિને પહોંચી વળવા અને કર્મચારીઓ સચિવાલય સંકુલમાં પ્રવેશ ન કરે તે માટે પ્રવેશદ્વારો અને મુખ્ય સર્કલો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. સચિવાલય તરફ દોરી જતા મુખ્ય માર્ગો પર વહેલી સવારથી જ આડા બેરિકેડ્સ મૂકી દેવાયા છે અને આવતા-જતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે.
