ગુજરાત રાજ્યમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા અસમાજિક તત્વો અને ભેળસેળિયા વેપારીઓ સામે રાજ્ય સરકાર દ્વારા અત્યંત કડક વલણ અપનાવવામાં આવ્યું છે. સુરત ખાતેથી રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા ના અધ્યક્ષ સ્થાને રાજયભરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને ભેળસેળ વિરુદ્ધ સઘન અભિયાન ચલાવવા માટેના કડક નિર્દેશો આપવામાં આવ્યા છે.

ફૂડ ક્વોલિટી અને સ્વચ્છતામાં 'રોલ મોડલ' બનાવવાનો સંકલ્પ

બેઠક દરમિયાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે સરકારની પ્રાથમિકતા છે. ફૂડ ક્વોલિટી અને સ્વચ્છતાના માપદંડોના અમલીકરણમાં સમગ્ર દેશમાં ગુજરાતને અગ્રેસર રાખીને 'રોલ મોડલ' બનાવવાનો મક્કમ સંકલ્પ લેવામાં આવ્યો છે. રાજ્યભરમાં ફૂડ સેફ્ટીના નિયમોનું કડકાઈથી પાલન કરાવવા માટે અધિકારીઓને સૂચનાઓ અપાઈ છે.

એનાલોગ પનીર, ચીઝ, બટર અને ડુપ્લિકેટ ઘી પર વિશેષ નજર

હાલ બજારમાં વેચાતા નકલી અને હાનિકારક ખાદ્ય પદાર્થો સામે ઝુંબેશ तेज કરવામાં આવશે. મંત્રીએ ખાસ કરીને એનાલોગ પનીર, ચીઝ, બટર તેમજ બજારમાં ધૂમ મચાવતા ડુપ્લિકેટ ઘી ની ગુણવત્તા પર બાજ નજર રાખવા આદેશ કર્યો છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં કરતા અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું ધમધમતું વેચાણ કરતા તત્વો સામે કોઈપણ પ્રકારની રાહત વિના સખત કાયદાકીય કાર્યવાહી કરવા અને જરૂર પડે એકમો સીલ કરવા સુધીના કડક પગલાં લેવા તાકીદ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો