કે.રાજેશ ગુજરાત કેડરના 2011 બેચના IAS અધિકારી છે. જેઓ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો તથા CBI અને EDની કાર્યવાહીને કારણે ચર્ચામાં આવ્યા હતા. હવે તેમની સામે રાજ્ય સરકારે એક્શન લીધા છે. કે.રાજેશને સરકારે ફરજિયાત નિવૃત્તિના આદેશ આપ્યા છે. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. તેમની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ થઈ હતી.  

ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈએ ધરપકડ કરી હતી

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશની ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈએ ધરપકડ કરી હતી. તેમની સામે હથિયારના લાયસન્સમાં લાંચ ઉઘરાવવા અંગે ફરિયાદ થઈ હતી. ત્યાર બાદ તેમને સીબીઆઈ સમક્ષ હાજર થવા સમન્સ પાઠવાયું હતું. આ દરમિયાન પૂછપરછમાં તેઓ સહકાર નહીં આપતા તેમની ધરપકડ કરાઈ હતી અને કોર્ટમાં રજૂ કરાયા હતાં. સીબીઆઈએ સુરેન્દ્રનગર, સુરત, અમદાવાદ તથા આંધ્ર પ્રદેશ ખાતેના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતાં. આ ઘટનામાં સુરતના વચેટિયા રફિક મેમણની ધરપકડ કરાઈ હતી. 

ફરજિયાત નિવૃત્તિની એક્શન લેવામાં આવી

2017થી લઈને 2021 સુધી સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર તરીકે કે.રાજેશે ફરજ બજાવી હતી. તેઓ ફરજ દરમિયાન હથિયાર પરવાના લાઇસન્સને લઈ અનેક વખત ચર્ચામાં રહ્યા હતા.તેમની સામે દિલ્હી ખાતે પીએમઓ અને દિલ્હી સીબીઆઇમાં ફરિયાદ દાખલ કરાઈ હતી.રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી હોવાથી તેમની સામે સહેજ પણ બાંધછોડ કરવા તૈયાર નથી. ઓપરેશન ગંગાજળ હેઠળ અનેક કર્મચારીઓ અને અધિકારીઓ સામે ફરજિયાત નિવૃત્તિની એક્શન લેવામાં આવી છે. 

આ પણ વાંચોઃ Gandhinagar News: કેપ્ટન સ્મિત મચ્છરને રાજ્ય સરકાર 25 લાખ રૂપિયા આપશે, ગરિમા એવોર્ડથી સન્માનિત કરાશે