ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) દ્વારા પ્રજાના મહેનતની કમાણીના ટેક્સના નાણાંનો કઈ રીતે વેડફાટ થઈ રહ્યો છે તેનું ઉત્તમ ઉદાહરણ સેક્ટર 11માંથી સામે આવ્યું છે. અહીં તાજેતરમાં જ લાખો રૂપિયાના ખર્ચે અત્યંત મજબૂત અને નવો રોડ તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે, આ નવો બનાવેલો રોડ હજુ તો યોગ્ય રીતે વપરાશમાં આવે તે પહેલાં જ GMC તંત્ર દ્વારા તેને ફરીથી આડેધડ ખોદી નાખવામાં આવ્યો છે. મનપાની આ આયોજન વગરની નીતિ-રીતિના કારણે પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે.

બ્યુટિફિકેશનના નામે તોડફોડ અને GMC તંત્રની લાલિયાવાડી

હદ તો ત્યારે થઈ જ્યારે જાણવા મળ્યું કે આ સારો અને ઉપયોગી રોડ માત્ર ‘બ્યુટિફિકેશન’ના નામે તોડી પાડવામાં આવ્યો છે. જો આ રોડ પર બ્યુટિફિકેશનનું આયોજન અગાઉથી જ નક્કી હતું, તો પછી નવો રોડ બનાવવાનો મોટો ખર્ચ શા માટે કરવામાં આવ્યો? તેવા તીખા પ્રશ્નો હવે ચર્ચાની એરણે ચડ્યા છે. એક તરફ શહેરીજનો પ્રાથમિક સુવિધાઓ માટે ઝંખી રહ્યા છે, ત્યારે બીજી તરફ મનપાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચેના તાલમેલના અભાવે ચાલી રહેલી આ લાલિયાવાડી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મનપાની આડેધડ કામગીરી સામે સવાલો અને કડક તપાસની માંગ

સેક્ટર 11માં GMCની આ શંકાસ્પદ અને વિવાદિત કામગીરી સામે હવે અનેક પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે. નવો રોડ ખોદી નાખવામાં આવતાં આસપાસના રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોઈ પણ જાતના આગોતરા આયોજન વગર કામ કરીને સરકારી તિજોરીને ચૂનો લગાવનારા જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે તાત્કાલિક કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. હવે જોવાનું એ રહેશે કે ઊંઘતું મનપા તંત્ર આ અંગે કોઈ ખુલાસો કરે છે કે પછી પ્રજાના નાણાંનો આ રીતે જ ધુમાડો થતો રહેશે.

આ પણ વાંચો : Narmada News : દિલ્હી છોડીને કેવડિયા કેમ પહોંચ્યું નેશનલ ફિલ્મ એવોર્ડ્સ? 70 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર બનશે આ અનોખી ઘટના!