સાબરમતી નદી પર આવેલા ધરોઇ ડેમમાંથી છોડવામાં આવેલું પાણી અને નદિના ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ગાંધીનગર પાસે સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે.
વર્ષો બાદ આ નજારો જોવા મળ્યો છે. નદીના પાણી ઘુઘવાટા મારતા સંતસરોવર સુધી પહોંચ્યા છે. જેના કારણે સંતસરોવરના પણ તમામ દરવાજા ખોલવાની ફરજ પડી છે. આ લખાઇ રહ્યુ છેકે, ત્યારે નદીમાં પાણીની આવક સતત વધી રહી છે. જેના કારણે નદિ કિનારાના ગામોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.
આ વર્ષે મઘા નક્ષત્રમાં વરસાદનું જોર રહ્યુ છે,રાજ્યમાં વરસાદની એક સાથે પાંચ સિસ્ટમ કાર્યરત થતા તેની અસર ગાંધીનગર પર પણ જોવા મળી રહી છે. જોકે,ગાંધીનગરમાં સતત વાદળછાયા વાતાવરણ વચ્ચે હજુપણ એકધારો વરસાદ વરસ્યો નથી. પરંતુ વરસાદી છુટાછવાયા ઝાપટાના કારણે સમગ્ર વાતાવરણ ઠંડુ થઇ ગયુ છે. જોકે, ગાંધીનગરમાંથી પસાર થતી સાબરમતી નદિ પર આવેલા ધરોઇ ડેમ અને તેના કેચમેન્ટ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમમાંથી પ્રતિ સેકન્ડ 65864 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. જે પાણી ગાંધીનગર આવી પહોંચતા સાબરમતી નદિ બે કાંઠે વહી રહી છે. ગાંધીનગરમાં સાબરમતી નદી પર લાકરોડા અને સંતસરોવર ખાતે બેરેજ બનાવવામાં આવ્યા છે. ધરોઇ ડેમમાંથી આવતુ પાણી પ્રથમ લાકરોડા પહોંચ્યા બાદ લાકરોડા બેરેજના તમામ દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેના કારણે ધસમસતા પાણી છેક સંતસરોવર સુધી પહોંચ્યા હતા. આ લખાઇ રહ્યુ છે ત્યારે સંતસરોવરના તમામ 21 ગેટ ખોલવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં પ્રતિસેકન્ડ 66250 ક્સુસેક પાણીની આવક થઇ રહી છે. જેની સામે સંતસરોવરમાંથી 60546 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. હાલ સંતસરોવરની ડેમની સપાટી 52.45 મિટરે પહોંચી છે. નદીમાં પાણીની આવક સતત વધી રહી છે. જેના કારણે નદિ કિનારાના ગામોમાં ફાયર અને પોલીસ પોઇન્ટ ગોઠવી દેવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ દ્વારા આ ગામોના લોકોને નદિ કિનારે નહી જવા સુચના આપવામાં આવી રહી છે