ચિલોડાથી હિમતનગર નેશનલ હાઇવે પર સતત બે દિવસથી ભારે ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા. છેક મહુન્દ્રાથી ચિલોડા સર્કલ અને તેનાથી આગળ છેક પાલજ બ્રીજ સુધી વાહનોની લાઈનો લાગતા કલાકો સુધી વાહન ચાલકો હેરાન થયા હતા. એક અંદાજ મુજબત્રણ કિલોમીટરનો ટ્રાફીક જામ સર્જાતા પોલીસના નાકે દમ આવી ગયો હતો. બે દિવસ પહેલા પડેલા વરસાદથી મહુન્દ્રાથી શિહોલી વચ્ચે બની રહેલા બ્રીજ પાસે પાણી ભરાયા હતા અને પાણીમાં ભારે વાહનો પસાર થતા હોવાથી મોટા મોટા ખાડા પડી જવાથી રોજ તુટી ગયો હોવાની વિગતો છે જેથી ભારે ટ્રાફીક જામ સર્જાય છે. પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા ના કરવામાં આવી હોવાથી છેલ્લા પંદરેક દિવસમાં બેથી ત્રણ વાર ટ્રાફીકની સ્થિતી સર્જાઇ છે.
ગઇ કાલે બપોરે બે વાગ્યાથી રાત્રે બે વાગ્યા સુધી ભારે જામ સર્જાયો હતો જેને ભારે જહેમત બાદ રાત્રે બે વાગ્યે ખોલી શકાયો હતો. બાદમાં ત્રણેક કલાકમાં જ ફરીવાર જામ થઇ ગયો હતો અને વહેલી સવારે પાંચેક વાગ્યાથી આજે બપોરે બે વાગ્યા સુધી સતત ટ્રાફીકથી સેંકડો વાહન ચાલકો હેરાન થયા હતા અને કલાકો સુધી હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. પંદર દિવસ પહેલા જ તુટી ગયેલા સર્વિસ રોડને નવો બનાવ્યો હતો અને આ રોડ પણ ફરીવાર પાણીથી જ ધોવાઇ જતા ખાડારોડ બની ગયો હતો જેના લીઘે ટ્રાફીક સર્જાયો હોવાની ચર્ચા છે. જેથી હાલમાં સેંકડો વાહનોને મોટી શિહોલી અને દશેલા તરફ ડાયવર્ઝન કરાયો હતા. આ ગામોમાં ભારે વાહનો પસાર થઇને નીકળવા લાગતા ગામની રોડની નજીક આવેલી પાણીની લાઇનો સહીત રોડ તુટવાની બુમો ઉઠી રહી હોવાની ચર્ચા છે. આ ઉપરાંત હાલમાં યુધ્ધના ધોરણે હાઇવે પર તુટી ગયેલા રોડનુ સમારકામ કરવાની કામગીરી ફરીવાર હાથ ધરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી હતી.










