શહેરમાં નિયમોનો ભંગ કરીને દોડતી 6 જેટલી સ્કૂલવાન આરટીઓ દ્વારા ડિટેઈન કરાઈ હતી. જેમાં વાહન માલિકો પાસેથી 70 હજાર જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.


જેને પગલે સ્કૂલવાન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. શહેરમાં દોડતી ઘણા સ્કૂલવાન ચાલકો દ્વારા નિયમ મુજબ જરૂરી સેફ્ટીનું ધ્યાન લેવાતું નથી. જેને પગલે આરટીઓ દ્વારા આવા સ્કૂલવાન ચાલકો સામે કાર્યવાહી શરૂ કરી છે.

સવા વર્ષ પહેલાં રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં બાળકોની સુરક્ષાને લઈને તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું હતુ.ં તે સમયે બાળકોને લઈ જતી સ્કૂલવાન અન ટયુશન ક્લાસિસ વાનોની પણ સઘન તપાસ કરાઈ હતી. તે જ સમયે સ્કૂલવાન ચાલકોને જરૂરી પરમિટ અને સેફ્ટીનું ધ્યાન લેવા માટે કહીં દેવાયું હતુ. તંત્રની તવાઈ બાદ સ્કૂલવાન ચાલકોએ ખર્ચા વધ્યા હોવાનું કહીંને નવા સત્રથી ભાડામાં પણ વધારો કરી દીધો હતો.

આમ છતાં મોટાભાગના સ્કૂલવાન ચાલકો દ્વારા જરૂરી પરમિટ કે સેફ્ટીની બાબતોમાં ધ્યાન અપાયું નથી. જેને પગલે ગાંધીનગર આરટીઓ દ્વારા ફરીથી ચેકિંગ શરૂ કર્યું છે. જે માટે સેક્ટર-23 ખાતે આવેલી બે સ્કૂલ આગળ તપાસ કરીને નિયમોનું ભંગ કરતી છ જેટલી વાન ઝડપી લેવાઈ હતી. સ્કૂલ વાન ચાલકો પાસેથી આરટીઓ દ્વારા 70 હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

જેમાં પરમિટ વગર, કેપિસીટી કરતાં વધુ બાળકો, પીયુસી ન હોવા સહિતના કારણોથી દંડ કરવામાં આવ્યો હતો. આરટીઓ દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારે આકસ્મિક ચેકિંગ ચાલુ રખાશે જેમાં સીએનજી સિન્ડર પર બાળકોને બેસાડાય છે કે નહીં, ફાયર એક્સ્ટીંગ્યુસર, ફાયર એલાર્મ સહિતની સુવિધા છે કે નહી તેની તપાસ થશે. એટલું જ નહીં સ્કૂલના વાહનો વધારે પડતી સ્પીડમાં તો નથી જતાને તમામ બાબતનું ચેકિંગ કરવામાં આવશે. જેમાં નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે દંડ લેવાશે, વાહનો ડિટેઈન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્કૂલ વાનમાં ઠાંસી ઠાંસીને બાળકો ભરવામાં આવે છે. વાલીઓ સસ્તુ શોધે છે અને વાનવાળા આ ગરજનો લાભ ઉઠાવે છે. તંત્ર નિયમ પાલન કરાવે તો પણ બૂમ પડે છે, ના કરાવે તો પણ બૂમ પડે છે. આ સ્થિતિમાં તંત્ર કરે તો કરે શું ? તેવો પ્રશ્ન ઉઠયો છે.


  • Follow us on: