ગાંધીનગરના લવારપુરમાં એક્ટિવા ચોરીને ભાગેલા યુવક ખાડામાં પડતા ઈજા થયાનું કહ્યું હતું પરંતુ આ યુવકનું ઢોરમાર મારવાના કારણે મૃત્યુ થયાનું ખુલતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ત્રણની ધરપકડ કરી છે.
લવારપુર પાસે સાવરીયા હોટલ નજીક ડેવિલ્ય ઓટો કેર નામથી યશ ભરતભાઇ દરજી ઓટો ગેરેજ ચલાવે છે. યશ દરજીના એક્ટિવાની 4 ઓગસ્ટે ગેરેજ આગળથી ચોરી થઈ હતી. જેથી યશ કાર લઇને અન્ય બે મિત્રો નિકુંજ પટેલ તથા સંજય જગદીશભાઇ બારોટ સાથે એક્ટીવા શોધવા નીકળ્યો હતો. લવારપુર ચોકડી પાસે પુછપરછ કરતા કરતા એક્ટીવાની શોધમાં છેક મજરા ચોકડી અને તેનાથી પણ આગળ ગાંભોઇ સુધી પહોચ્યા હતા. આ વખતે રાત્રે બે વાગ્યે એક ઇસમ એક્ટીવા લઇને નીકળ્યો હતો. એક્ટીવાને ઓળખી જતા યશ તથા તેના મિત્રોએ એક્ટીવા ચાલકનો પીછો કરી ઉભો રહેવા ઇશારો કર્યો હતો. પરંતુ એક્ટીવા ચાલક ઉભો રહ્યો નહોતો અને એક્ટીવા લઇને રોંગ સાઇડમાં ભગાડતી વખતે ખાડામાં પડયો હતો. યશ દરજી અને મિત્રોએ તેને ખાડામાંથી એક્ટિવા સાથે બહાર કાઢી તેનું નામ પુછતા કલ્પેશ નટુભાઇ કટારા (રહે-સુનોખતા,ભિલોડા) હોવાનું જણાવ્યું હતુ. ત્રણેય મિત્રોએ બાદમાં કલ્પેશ કટારાને રાત્રે સવા ત્રણેક વાગ્યે લવારપુર ગેરેજવાળી જગ્યાએ લઇને આવ્યા બાદ પોલીસને સોંપ્યો હતો.










