પાટનગરમાં સેક્ટર-22 અને સેક્ટર-23 ખાતે જર્જરિત જાહેર થયેલા 400 જેટલા સરકારી આવાસો તોડી પાડવામાં આવશે. આવાસો તોડી પાડવા માટે વિભાગની મંજૂરી મળતા હવે પાટનગર યોજના વિભાગ દ્વારા ટેન્ડર સહિતની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જે બાદ બંને સેક્ટરોમાં જોખમી આવાસો દૂર કરાશે. ગાંધીનગર શહેરમાં હાલની સ્થિતિએ જર્જરીત જાહેર થયેલા અંદાજે 1 હજાર જેટલા આવાસો હજુ ઉભા છે. જેને પણ આગામી સમયે મંજૂરી સહિતની પ્રક્રિયાને અંતે જમીનદોસ્ત કરવામાં આવશે.
પાટનગરની સ્થાપના સમયે બનેલા સરકારી આવાસો હવે જોખમી બની જતાં તેને તબક્કાવાર તોડીને નવા ફ્લેટ ટાઈપ આવાસો બનાવવાની પ્રક્રિયા છેલ્લા પાંચેક વર્ષથી ચાલી રહી છે. જેને લઈને સેક્ટર-22 અને સેક્ટર-23 ખાતે આવેલા 400 જેટલા જોખમી સરકારી આવાસો તોડી પડાશે. વિભાગકક્ષાએ આવાસો તોડવા માટે મંજૂરી મળી જતાં હવે પાટનગર યોજના વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. થોડા દિવસોમાં ટેન્ડર મંજૂરીની સહિતની પ્રક્રિયાને અંતે જૂના આવાસો તોડી પાડવામાં આવશે. શહેરમાં જોખમી આવાસો તોડીને ખુલ્લી થતી જગ્યાઓ ઉપર દબાણો ન થાય તે માટે પ્રિ-કાસ્ટ વોલ ઉભી કરવામાં આવી રહી છે.










