મંત્રી પરિષદમાં ફેરફાર- વિસ્તરણ પછી હવે દિવાળી વેકેશનમાં 15મી વિધાનસભાના સર્વે ધારાસભ્યોને ગાંધીનગરમાં હાજર રહેવા આમંત્રણ મળે તો નવાઈ નહી. બેસતા વર્ષ પછીના દિવસે- ભાઈબીજે સેક્ટર- 17 સ્થિત નવા સદસ્ય આવાસનુ ગૃહમંત્રી અમિત શાહ ઉદ્ઘાટન કરવાના છે. વિધાનસભા સચિવાલયમાંથી ઉપલબ્ધ માહિતી અનુસાર ધારાસભ્યો સત્વરે નવા સદસ્ય આવાસમાં રહેવા આવી શકે તે માટે ફાળવણીની પ્રક્રિયા કરવા લાભ પાંચમે સદસ્યોના આવાસની કમિટીની બેઠક પણ બોલાવાઈ છે.


દરમિયાન ગત સપ્તાહે ગુરૂવારની સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓની રાજીનામા લીધા બાદ તત્સમયના સહકાર મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદિશ વિશ્વકર્માએ બંગલો ખાલી કર્યોની માહિતી ઉપલબ્ધ થઈ છે. તેમને મંત્રીનિવાસબહાર સેક્ટર-19માં 'ક-520' નંબરનો સરકારી બંગલો ભાડે માર્ગ મકાન વિભાગે ફાળવ્યો છે. વિશ્વકર્મા પછી મંત્રીમંડળમાંથી પડતા મુકાયેલા આઠેક મંત્રીઓએ સામાન ખસેડવાનુ શરૂ કર્યુ છે. વેકેશન પછી મંત્રીનિવાસમાં નવા મંત્રીઓને બંગલાની ફાળવણી કરવામાં આવશે. તેમ જણાવતા ટોચના અધિકારીએ કહ્યુ કે, '' સેક્ટર-21 ખાતેના હાલના સદસ્ય નિવાસ- MLA ક્વાર્ટર્સ જૂના હોવાથી સેક્ટર-17માં નવા તૈયાર થયેલા સદસ્ય આવાસનું ગાંધીનગરના સાંસદ અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા 23મી ઓક્ટોબરને મંગળવારે તેનું ઉદ્દઘાટન થશે'' ઉલ્લેખનિય છે કે, સેક્ટર-17માં નવા બનાવેલા ધારાસભ્યો માટે લક્ઝુરિયસ ફ્લેટ 3 BHK છે. 9 માળના 12 એપાર્ટમેન્ટમાં દરેક MLAને કાર્યલાય માટે પણ જગ્યા ફાળવાઈ છે. સાથે જ સ્વિમિંગ પૂલ, જીમ, ડિનર એરિયા સહિતની અદ્યતન ફેસેલિટી અને બે કાર પાર્કિંગની જોગવાઈ પણ કરવામાં આવી છે. હાલમાં 12માંથી 10 ટાવર ફર્નિચર સાથે રહેવા માટે તૈયાર છે. એથી, એકાદ મહિનામાં તમામ સદસ્યો અહીં રહેવા માટે આવી જશે.

નવા સીમાંકન મુજબ 216 ફ્લેટ, હાલ 152 MLAને ફાળવાશે

વસ્તી ગણતરી પછી ભારતના ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા- લોકસભાની બેઠકો- મતક્ષેત્રો માટે નવેસરથી સીમાંકન થવાનું છે. વસ્તીના અનુપાતમાં સમન્યાયિક જનપ્રતિનિધિત્વ મળી રહે તે ઉદ્દેશ્યથી નવા સીમાંકન બાદ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો 230થી વધુ થઈ શકે છે. આથી, નવા સદસ્ય આવાસમાં 216 જેટલા આવાસો તૈયાર થયા છે. ઉલ્લેખનિય છે કે, મંત્રી નિવાસમાં 40 બંગલા છે. વર્તમાન સરકારના મંત્રીપરિષદમાં 26 મંત્રીઓ હોવાથી તેમજ તે સિવાય વિધાનસભા અધ્યક્ષ અને એક મુખ્ય દંડક વત્તા બે ઉપદંડકો એમ કુલ મળીને 30 બંગલા ઉપયોગમાં લેવાશે. આવી સ્થિતિમાં નવા સદસ્ય આવાસમાં 152 ધારાસભ્યોને દેવદિવાળી પહેલા એપાર્ટમેન્ટની ફાળવણી થશે. તેમ મનાય છે.


  • Follow us on: