અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર દૈનિક 1 લાખથી વધારે વાહનો પસાર થાય છે. જેને પગલે ટ્રાફિકને હળવો કરવા માટે ભાટ સર્કલ ઉપર 120 કરોડના ખર્ચે કેબલ સ્ટ્રેઈડ બ્રીજની કામગીરી ચાલી રહી છે. બ્રીજમાં કેબલ નાખી દેવામાં આવ્યા છે, જેમાં હવે કેબલના સ્ટ્રેસિંગની કામગીરી હાથ ધરાશે. બ્રીજનો 200 મીટરનો ભાગ કેબલના સહારે લટકતો રહેવાનો હોવાને પગલે કેબલ નાખ્યા બાદ હવે તેને ખેંચવાની કામગીરી એકાદ મહિનો ચાલે તેમ છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ લોડ ટેસ્ટિંગ કર્યા પછી જ બ્રીજ ચાલુ કરી શકાશે.
એપોલો સર્કલ ખાતે ગાંધીનગરના પ્રથમ કેબલ સ્ટેડ ઓવરબ્રીજની કામગીરી હવે પૂર્ણતા તરફ છે. જેની લંબાઈ 1481 મીટર એટલે દોઢેક કિલોમીટર જેટલી છે જ્યારે પહોળાઈ 27 મીટર તેમજ બંને સાઈડ દોઢ મીટરની ફૂટપાથ અને ક્રેશ બેરીયર બનાવવામાં આવ્યા છે. બ્રીજ માટે વિદેશથી મંગાવેલા ખાસ કેબલ લગાવી દેવામાં આવ્યા છે. કેબલનું કામ કરવા માટે મહારાષ્ટ્રથી અનુભવી ટીમ આવી છે, જે હવે કેબલ સ્ટ્રેસિંગ એટલે કે ખેંચવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે એકાદ મહિનો ચાલે તેમ છે. કેબલના સહારે બ્રીજના 100 -100 મીટરના બે સ્પાન લટકતા રહેશે.










