ગાંધીનગરમાં વધતાં જતાં દબાણો વચ્ચે હવે પાટનગર યોજના વિભાગ દ્વારા શહેરને દબાણ મુક્ત કરવા માટે કવાયત શરૂ કરી છે. જે અંતર્ગત ચરેડી બાદ હવે સેક્ટર વિસ્તારના દબાણોને દૂર કરવાનું આયોજન કરી લેવાયું છે. જે માટે 1થી 30 સેક્ટર વિસ્તારમાં આવેલા ઝુપડા સહિતના અંદાજે 1 હજારથી વધુ દબાણોને તોડી પાડવામાં આવશે. જે માટે તંત્ર હાલ દબાણકારોને નોટિસ આપવાની શરૂઆત કરી છે, જેમાં તેઓને અઠવાડિયામાં પુરાવા રજૂ કરવા અથવા દબાણ જાતે તોડી પાડવા માટે કહેવાયું છે. આ દબાણોમાં સેક્ટર-24 ઈન્દિરાનગરમાં જ 200 જેટલા દબાણો હોવાની વિગતો છે.


આજે રવિવારના દિવસે પણ પાટનગર યોજના વિભાગની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સેક્ટર-24 સહિતના સ્થળોએ નોટિસ આપવા માટે પહોંચી હતી. તંત્ર દ્વારા નોટિસો આપવાનું શરૂ વર્ષોથી રહેતાં લોકોમાં આંતરિક રોષ ફેલાયો હતો. જોકે જે રીતે ચરેડીમાં એક પછી એક દબાણો વધીને સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ હતી. તેમ અન્ય કોઈ વિસ્તારમાં દબાણો વધે નહીં થતા શહેર દબાણમુક્ત રહે તે માટે પાટનગર યોજના વિભાગે કામગીરી શરૂ કરી છે. પાટનગર ગાંધીનગરમાં જમીનની માલિકી માર્ગ અને મકાન વિભાગની છે. ત્યારે શહેરના 1થી 30 સેક્ટર અને આઠ જેટલા ગામોમાં તંત્ર દ્વારા દબાણો હટાવવા માટે કામગીરી કરાય છે. ત્યારે હવે શહેરને દબાણ મુક્ત બનાવવા માટે પાટનગર યોજના વિભાગે ફરી કવાયત શરૂ કરી છે. જે અંતર્ગત સેક્ટર-24 ઈન્દિરાનગરમાં અંદાજે 200 જેટલા દબાણો સહિત શહેરના 1 હજાર જેટલા દબાણકારોને નોટિસ આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં જગ્યા કાયદેસરની માલિકીની હોય તો 7 દિવસમાં તેના પુરાવા રજૂ કરવા અથવા સરકારી જમીન ઉપર કરેલું દબાણ જાતે દૂર કરીને લેખિતમાં પાટનગર યોજના વિભાગને જાણ કરવા માટે કહેવાયું છે. સાત દિવસની મુદ્દત પૂર્ણ થતાં જ તંત્ર દ્વારા દબાણ તોડી પાડવામાં આવશે, જે માટે થયેલા ખર્ચ તથા નુકસાનની વસૂલાત પણ દબાણકર્તાઓ પાસેથી વસૂલવા માટે ટકોર કરાઈ છે. પાટનગર યોજના વિભાગ દ્વારા અંદાજે 1 હજાર જેટલા દબાણકર્તાઓને નોટિસ આપવાની શરૂ કરાઈ છે, જેમાં મોટાભાગના સ્થળે ઈંટોથી ચણતર કરીને મકાનો બનાવી દેવાયા છે. તંત્ર દ્વારા શહેરમાં ઉભા થયેલા દબાણો સામે અગાઉ પણ કાર્યવાહી કરેલી છે. જોકે પાટનગર યોજના વિભાગ દ્વારા દબાણો સામે કાર્યવાહી શરૂ થાય ત્યારે જ ઉપરના લેવલથી કે રાજકીય દબાણો શરૂ થઈ જતા હોય છે. જેને પગલે ના છૂટકે નાના કર્મચારીઓને કામગીરી ઉપર બ્રેક મારવી પડે છે. જેની સીધી અસરથી શહેરમાં દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે.


  • Follow us on: