ભારતીય સૈન્ય અને નાગરિક વહીવટીતંત્ર વચ્ચે સંકલન અને સહકારને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે તારીખ 08 નવેમ્બર, 2025ના રોજ ગુજરાત સરકારના સચિવાલય ખાતે એક મહત્વપૂર્ણ નાગરિક-સૈન્ય મિલન સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમ્મેલન ભારતીય સૈન્યના કોનાર્ક કોર્પ્સ સાથે મળીને ગુજરાત સચિવાલય દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.
નાગરિક-સૈન્ય મિલન સમ્મેલન
આ સમ્મેલનનો મુખ્ય હેતુ ભારતીય સૈન્ય અને ગુજરાત સરકાર વચ્ચે ઝડપી નિર્ણય, સહકાર અને સંકલન વધારવાનો હતો. આ કાર્યક્રમની અધ્યક્ષતા ભારતીય સૈન્યના જનરલ ઓફિસર કમાન્ડિંગ (જીઓસી) 11 રેપિડ (એચ) મેજર ગૌરવ બગ્ગા અને ગુજરાતના ગૃહ વિભાગના અધિક પોલીસ મહાનિર્દેશક અને અગ્ર સચિવ શ્રીમતી નિપુણા તોરવણે દ્વારા કરવામાં આવી હતી.
મુખ્ય સહભાગીઓ અને ચર્ચાના મુદ્દાઓ
આ સમ્મેલનમાં ગુજરાત સરકારના વિવિધ વિભાગોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં મુખ્યત્વે શિક્ષણ વિભાગ, નર્મદા જળ સંશાધન અને જળ પુરવઠા વિભાગ, મહેસૂલ વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ, બંદરો અને વાહનવ્યવહાર વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગૃહ વિભાગ, સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ નિગમ સહિત અન્ય અગત્યના વિભાગો સામેલ હતા.
સૈન્ય દળો અને નાગરિક પ્રશાસન વચ્ચે વાર્તાલાપ
સમ્મેલનમાં સુરક્ષાને લગતા મુદ્દાઓ, CBRN (રાસાયણિક, જૈવિક, રેડિયોલોજિકલ અને ન્યુક્લિયર) તૈયારીઓ, સૈન્ય અને માજી સૈનિકોનું કલ્યાણ, સેવારત સૈનિકોને પડતી મુશ્કેલીઓ અને અન્ય સ્થાનિક પ્રશાસન સંબંધિત બાબતોને આવરી લેવામાં આવી હતી. આ કાર્યક્રમ સૈન્ય દળો અને નાગરિક પ્રશાસન વચ્ચે વાર્તાલાપ, સમજણ અને એકાત્મકતા વધારવા માટેનું એક ઉત્કૃષ્ટ મંચ સાબિત થયો. આ નાગરિક-સૈન્ય મિલન સમ્મેલન રાષ્ટ્રના નિર્માણ માટે સંયુક્તપણે કામ કરવા માટે નાગરિક અને સૈન્ય સંસ્થાઓની સંયુક્ત શક્તિનું પ્રતીક છે.