ગાંધીનગરમાં ડિસેમ્બરની શરૂઆત સાથે જ ધીરે-ધીરે ઠંડીએ ફરી જોર પકડયું છે. તાપમાનની વધઘટ વચ્ચે ચાર દિવસમાં શહેરમાં ઠંડીનો પારો 5.3 ડીગ્રી જેટલો ગગડયો છે. જેને પગલે ફરીથી ઠંડીનો ચમાકારો શરૂ થયો છે. શહેરમાં આજે લઘુત્તમ તાપમાન 15.5 ડીગ્રી નોંધાયું હતું, જેની સામે મહત્તમ તાપમાન 30.2 ડીગ્રી નોંધાતા બેવડી ઋતુ જેવો અનુભવ થયો હતો. ગાંધીનગર સહિત રાજ્યભરમાં શિયાળાની શરૂઆત સાથે ઠંડીનો ચમકારો થયો હતો.
જેમાં ગાંધીનગરમાં શરૂઆતમાં જ 12 ડીગ્રી જેટલી ઠંડી નોંધાઈ હતી. જે બાદ વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં વધારો થયો હતો. શુક્રવારે લઘુત્તમ તાપમાન 20 ડીગ્રીને ઉપર જતું રહ્યું હતું. જે બાદ શનિવારથી તાપમાનમાં ફરી ઘટાડો શરૂ થયો હતો. તાપમાનની વધઘટ વચ્ચે ગઈકાલે શહેરમાં ઠંડીનો પારો 17 ડીગ્રી નોંધાયો હતો, જેમાં 24 કલાકમાં જ દોઢ ડીગ્રીનો ઘટાડો થતા શહેરમાં આજે લઘુત્તમ તાપમાન 15.5 ડીગ્રી રહ્યું હતુ. એટલે કે ચાર દિવસમાં શહેરના લઘુત્તમ તાપમાનમાં 5.3 ડીગ્રી જેટલો ઘટાડો થયો હતો. બીજી તરફ મહત્તમ તાપમાનમાં ખાસ કોઈ ફેરફાર થયો નથી.










