ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને પારદર્શી રીતે સંપન્ન થાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ચૂંટણી અંતર્ગત મતદાન અને મત ગણતરીના દિવસો દરમિયાન ગાંધીનગર શહેર તથા આસપાસના વિસ્તારોમાં સંપૂર્ણ 'ડ્રાય ડે' (દારૂબંધી) જાહેર કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન પરમિટનો દારૂ કે અન્ય કોઈપણ કેફી દ્રવ્યોનું વેચાણ કે સેવન કરી શકાશે નહીં.
નશાબંધી અધિનિયમ હેઠળ કડક અમલ
તંત્ર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, ગુજરાત નશાબંધી અધિનિયમ હેઠળ તમામ પ્રકારના દારૂ અને કેફી દ્રવ્યોના વેચાણ પર સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન ગાંધીનગર વિસ્તારમાં આવેલી તમામ લાયસન્સ ધરાવતી ક્લબ, હોટેલ્સ, બાર અને રેસ્ટોરન્ટ્સમાં દારૂના વેચાણ કે પીરસવા પર સંપૂર્ણ મનાઈ રહેશે. આ આદેશનો ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
