ગુજરાત સરકારના અધિકારીઓ-કર્મચારીઓ કેન્દ્ર સરકારના ધોરણે ઘરભાડા ભથ્થામાં વધારો માગી રહ્યા છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે આ સંદર્ભે મુખ્યમંત્રીને તથા મુખ્ય સચિવને લેખિત આવેદન આપી જણાવ્યું છે કે, રાજ્ય સરકારે કર્મચારીઓના આંદોલન સમયે સાતમા પગારપંચના તમામ લાભો આપવાનું કબૂલ્યું હતું અને અત્યારે મોંઘવારી ભથ્થું 58 ટકા થઈ ગયું છે, છતાં શહેરોના વર્ગીકરણ મુજબ ઘરભાડા વધારો મળતો નથી.
રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓને એક્સ-વાય-ઝેડ કેટેગરીના શહેરોમાં અનુક્રમે 24 ટકા, 16 ટકા અને 8 ટકા ઘરભાડા ભથ્થું મળે છે, જે કેન્દ્ર સરકારે તા.7-7-2017ના ઑફિસ મેમોરેન્ડમથી નિયત કરેલું છે. કેન્દ્ર સરકારે નક્કી કર્યા પ્રમાણે જો મોંઘવારી ભથ્થું 25 ટકા કરતાં વધી જાય ત્યારે એક્સ-વાય-ઝેડ કેટેગરીના શહેરોમાં અનુક્રમે 27 ટકા, 18 ટકા અને 9 ટકા મળવાપાત્ર થાય. એ પછી જો મોંઘવારી ભથ્થું 50 ટકા કરતાં વધી જાય ત્યારે આ ભથ્થું અનુક્રમે 30 ટકા, 20 અને 10 ટકા મળવાપાત્ર થાય છે. કર્મચારીઓનું કહેવું છે કે, રાજ્ય સરકારે 25 ટકા ઉપર મોંઘવારી ભથ્થું ગયું હતું ત્યારે ઘરભાડા ભથ્થું વધાર્યું ન હતું. એટલે ત્યારથી કર્મચારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે. રાજ્ય સરકારે હવે વહેલી તકે કેન્દ્રના ધોરણે એક્સ-વાય-ઝેડ કેટેગરીના શહેરોમાં રહેતા સરકારી કર્મીઓને અનુક્રમે 30 ટકા, 20 ટકા, 10 ટકા ઘરભાડા ભથ્થું ચૂકવવાનું શરૂ કરી વધુ નુકસાન અટકાવવું જોઈએ, એમ યુનિયને માગ કરી છે.










