ગાંધીનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખની વરણી કરાઈ છે. કોંગ્રેસે જિલ્લા પ્રમુખને રીપીટ કર્યા છે. જ્યારે શહેર પ્રમુખ તરીકે યુવા ચહેરા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. કોંગ્રેસના આ બંને પ્રમુખો અનુક્રમે ઠાકોર અને પાટીદાર સમાજમાંથી આવે છે. એક સમયે ગાંધીનગરમાં જેનો ડંકો બોલતો હતો તેવી કોંગ્રેસ હાલ મરણપથારીએ પડી હોય તેવી સ્થિતી છે. બંને પ્રમુખ પર કોંગ્રેસને પુનઃ બેઠી કરવાની જવાબદારી છે. જોકે, કોંગ્રેસે જિલ્લાની બહુમત વોટબેંકને ધ્યાને રાખીને જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખની વરણી કરી છે.


પ્રદેશ કોંગ્રેસ તરફથી રાજ્યના અન્ય જિલ્લાઓની સાથેસાથે ગાંધીનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પણ વરણી કરવામા આવી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રદેશે અરવિંદસિંહ સોલંકીને રીપીટ કર્યા છે. તેઓ ગત ટર્મમાં પણ પ્રમુખ તરીકે સેવા આપી ચુક્યા છે. અરવિંદસિંહ સોલંકી ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી આવે છે. જિલ્લામાં આ સમાજની બહુમત વોટબેંક છે. આ ઉપરાંત તેઓ જિલ્લા પંચાયતના પુર્વ કારોબારી ચેરમેન તરીકે પણ સેવા આપી ચુક્યા છે. જિલ્લાના રાજકારણ પર તેઓની સારી પકડ છે. કોંગ્રેસે જિલ્લામાં અરવિંદસિંહની વરણી કરીને ઠાકોર ક્ષત્રિય સમાજની વોટબેંક જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે. જિલ્લામાં ઠાકોર સમાજ એક સમયે કોંગ્રેસની પરંપરાગત વોટબેંક ગણાતી હતી. જોકે, છેલ્લા એક દાયકામાં કોંગ્રેસ નબળી પડતા આ વોટબેંકમાં ગાબડા પડયા છે. જેનો સીધો લાભ ભાજપને મળ્યો છે. કોંગ્રેસે આ વોટબેંકનો વધુ ભાજપ તરફ ઢળતા રોકવા માટે જિલ્લાના પ્રમુખ તરીકે વધુ એક વખત ઠાકોર સમાજના આગેવાનને કાંટાળો તાજ આપ્યો છે. જ્યારે ગાંધીનગર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે કોંગ્રેસે રાયસણના શક્તિ પટેલની વરણી કરી છે. શક્તિ પટેલ યુવા ચહેરો અને પાટીદાર સમાજમાંથી આવે છે. જિલ્લામાં ઠાકોર, પાટીદાર સમાજની બહુમત વોટબેંક છે. પાટીદાર સમાજ ભાજપની પરંપરાગત વોટબેંક ગણાય છે. જોકે, કોંગ્રેસે આ વોટબેંકમાં ગાબડા પાડવા અને પાટીદારોને કોંગ્રેસ તરફ ઢાળવાના પ્રયાસના ભાગરૂપે યુવા પાટીદાર આગેવાનની શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે પસંદગી કરી છે. શક્તિ પટેલ હાલ એસપીજી સાથે પણ સંકળાયેલા છે. તેઓ હાલ એસપીજીના જિલ્લા પ્રમુખ છે.

આ ઉપરાંત તેઓ અગાઉ ગાંધીનગર યુથ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચુક્યા છે. શક્તિ પટેલ ન્યુ ગાંધીનગરના રાયસણ વિસ્તારમાંથી આવે છે. આ પુર્વે ક્ષત્રિય આગેવાન શૈલેન્દ્રસિંહ બિહોલાએ બે ટર્મ સુધી શહેર કોંગ્રેસની ધુરા સંભાળી હતી. તેઓને સંભવતઃ હવે પ્રદેશની જવાબદારી સોંપાય તેવી શક્યતા જોવાઇ રહી છે. આ બંને પ્રમુખો પર આગામી દિવસોમાં કોગ્રેસને પુનઃ સજીવન કરવાની જવાબદારી છે. જોકે, જે રીતે હાલ શહેર અને જિલ્લામાં ભાજપનો દબદબો છે તે જોતા કોંગ્રેસને પુનઃ બેઠી કરવા માટે આગેવાનોને ગ્રાસરૂટ લેવલથી એકડો ઘુંટવો પડે તેવી સ્થિતી છે.


  • Follow us on: