રાજ્યમાં સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોકસંસ્કૃતિ, આપણો કલા વારસો જન જન સુધી પહોંચે એવા ઉમદા આશયથી ગણપતિ ઉત્સવ દરમિયાન સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025નું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં શ્રેષ્ઠ 3 ગણેશ પંડાલોને પુરસ્કાર આપવામાં આવશે. ગાંધીનગર જિલ્લામાં આ પ્રતિયોગિતા અંતર્ગત શ્રેષ્ઠ પંડાલોની પસંદગી માટે કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. પ્રથમ ક્રમના વિજેતા શ્રેષ્ઠ ગણેશ પંડાલને રૂ.પાંચ લાખ, દ્વિતીય ક્રમને રૂ.ત્રણ લાખ અને અને તૃતીય ક્રમના ગણેશ પંડાલને રૂ. દોઢ લાખના પુરસ્કારથી સન્માનિત કરાશે. અન્ય પાંચ પંડાલોને પ્રોત્સાહન પુરસ્કાર રૂપે પ્રત્યેકને રૂ.1 લાખ આપવામાં આવશે. મ્યુ. કમિશનરે જણાવ્યું હતું કે, મંડપ શણગાર, કલાત્મક અને આકર્ષક સજાવટ, સામાજિક સંદેશ, ગણેશ પ્રતિમાની પસંદગી પર્યાવરણને અનુકૂળ-ઇકોફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ, ઓપરેશન સિંદૂર, રાષ્ટ્રભાવના અને દેશભક્તિ, સ્વદેશી, પંડાલની સ્થળ પસંદગી જેવી થીમને ધ્યાનમાં લેવામાં આવશે. ભાગ લેવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, સહયોગ સંકુલ, સેક્ટર-11 ખાતેથી ફેર્મ મેળવી 28 ઓગસ્ટ બપોરે 12 કલાક સુધીમાં જમા કરાવવાના રહેશે.










