સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે આજે ગાંધીનગરમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો.
ઘટાટોપ વાદળોની જમાવટ વચ્ચે સમગ્ર દિવસ છુટાછવાયા વરસાદી ઝાપટા નોંધાયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદના વાવડ મળી રહ્યા છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ પાંચથી પંદર મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે જ ગાંધીનગરમાં સિઝનનો કુલ વરસાદ 1900 મીમી પહોંચી ગયો છે. સૌથી વધુ વરસાદ દહેગામ અને સૌથી ઓછો વરસાદ ગાંધીનગરમાં નોંધાયો છે.
છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ વચ્ચે આજેપણ ગાંધીનગરમાં સવારથી જ ઘટાટોપ વાદળોની જમાવટ રહી હતી. સમગ્ર દિવસ ગાંધીનગર શહેરમાં છુટાછવાયા વરસાદી ઝાપટા નોંધાયા હતા.
જેના કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ગાંધીનગરમાં ચોવીસ કલાક દરમિયાન પાંચ મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદના વાવડ મળી રહ્યા છે. દહેગામ પંથકમાં સાત મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે કલોલમાં નવ મીમી વરસાદ નોંધાયો છે. માણસામાં સૌથી વધુ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
જોકે, જે રીતે વરસાદી વાદળોની જમાવટ જોવા મળી રહી છે તે જોતા હજુપણ સાર્વત્રિક ધોધમાર વરસાદ નોંધાયો નથી. જોકે, મઘા નક્ષત્રમાં પડેલો આ વરસાદ ખેતપાક માટે ફાયદાકારક હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. અત્યાર સુધીમાં ગાંધીનગરમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વધુ વરસાદ દહેગામ તાલુકામાં નોંધાયો છે. જિલ્લાના ચારેય તાલુકામાં સિઝનનો સરેરાશ 19 ઇંચ વરસાદ નોંધાયો છે.