ગઈકાલે વહેલી સવારે ભૂસ્તર તંત્રની ટીમો દ્વારા વાહનોના ચેકીંગ દરમિયાન ગેરકાયદે ખનીજ ભરીને લઈને જતા ચાર વાહનોને પકડી પાડયા હતા. અલગ-અલગ વિસ્તારમાં ટીમો દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં માફિયાઓની આ ખનીજ ચોરીને પકડી પાડવામાં આવી હતી.
વહેલી સવારે અથવા તો મોડી રાતના અંધારામાં ખનીજની ગેરકાયદે હેરાફેરી કરતા હોવાનું કલેક્ટરના ધ્યાનમાં આવતાં તેમના માર્ગદર્શન અને મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચના હેઠળ ગઈકાલે શનિવારે વહેલી સવારથી ભૂસ્તર તંત્રની ટીમો દ્વારા અલગ-અલગ વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. વહેલી સવારે 3 થી 7 વાગ્યા સુધીમાં આકસ્મિક ચેકીંગમાં બિનઅધિકૃત રીતે ઘનીજ વહન કરતાં ચાર વાહનોને ઝડપી લઈ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ચેકીંગમાં ચાર વાહનો સહિત 1.60 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં દહેગામના હાલીસા તથા ગાંધીનગરના ધણપ, કલોલ તથા વડસરથી ઓગણજ સર્કલ ખાતેથી સાદી રેતી ભરેલા ચાર વાહનો ઝપટે ચડયા હતા. આ ચારેય કેસમાં રોયલ્ટી પાસ વગર ખનીજ વહન કરવામાં આવી રહ્યું હોવાનું માલૂમ પડયુ હતું. ચારમાંથી એકપણ વાહન ચાલક પાસે રોયલ્ટી પાસ ઉપલબ્ધ ન હતો. કલોલમાંથી જે ડમ્પર પકડવામાં આવ્યું છે તેમાં રોયલ્ટી પાસ કરતાં રેતીનો વધુ જથ્થો ભરેલો હતો.










