ગાંધીનગરના વિકાસના ઈતિહાસમાં આજનો દિવસ સુવર્ણ અક્ષરે અંકિત થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના 25 વર્ષના સેવાકાર્યોના વળતરરૂપે ગાંધીનગરમાં એક જ દિવસમાં રૂ.1848 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કુલ વિકાસકાર્યોમાં ગાંધીનગર મહાનગરપાલિકાના રૂ.798.56 કરોડના કામોનો પણ સમાવેશ થાય છે, જેમાં રૂ.210.82 કરોડના 14 પૂર્ણ થયેલા કામોનું લોકાર્પણ અને રૂ.587.74 કરોડના 16 નવા કામોનું ખાતમુહૂર્ત કરાયું છે. વધુમાં, નાગરિકોની સુવિધા માટે રૂ.20 કરોડના ખર્ચે 'કોટેશ્વર અંડરપાસ' બનાવવાની પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.

જાહેર પરિવહન ક્ષેત્રે મોટો ઉછાળો, 30 નવી PM ઈ-બસો શરૂ

શહેરના પરિવહનને વધુ આધુનિક, ઝડપી અને પ્રદૂષણમુક્ત બનાવવા માટે પીએમ ઈ-બસ સેવાના બીજા તબક્કાનો પ્રારંભ કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 30 નવી પીએમ ઈ-બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું, જેનાથી શહેરમાં ઈ-બસોની સંખ્યા વધીને 70 થઈ ગઈ છે. આ ઉપરાંત, સેક્ટર 26 માં નવું અર્બન હેલ્થ સેન્ટર, સેક્ટર 20, ઝુંડાલ અને અમિયાપુરમાં બગીચાઓ, રાયસણમાં સ્વર્ણિમ સાંસ્કૃતિક કેન્દ્રના ઓડિટોરિયમનું નવીનીકરણ તેમજ વિવિધ વિસ્તારોમાં સીસી રોડ, સ્ટોર્મ વોટર લાઈન અને પીવાના પાણીની ઓવરહેડ ટાંકીઓનું નિર્માણ હાથ ધરવામાં આવશે.

'સચિવાલય શહેર' થી ગિફ્ટ સિટી સુધીની સફર અને સુશાસન

એક સમયે માત્ર 'સચિવાલય શહેર' તરીકે ઓળખાતું ગાંધીનગર આજે યુનિવર્સિટીઓ, ગિફ્ટ સિટી અને એક્ઝિબિશન ગ્રાઉન્ડ્સથી વૈશ્વિક સ્તરે ચમકી રહ્યું છે. એક સમયે સૂર્યાસ્ત પછી જ્યાં અંધકાર અને શાંતિ છવાઈ જતી હતી, તે ગાંધીનગરમાં આજે વેપારીઓ મોડી રાત સુધી સુરક્ષિત રીતે વેપાર કરી શકે છે અને આખી રાત ગરબા રમવાની મુક્ત છૂટ મળી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્ય સરકાર બોલવામાં નહીં પરંતુ કામ કરવામાં વિશ્વાસ રાખે છે અને ભ્રષ્ટ તથા લાંચિયા અધિકારીઓ સામે કડક વલણ અપનાવીને તેમની સેવાઓ સીધી સમાપ્ત કરવામાં આવી રહી છે.

અ પણ વાંચો : પ્રજા ઇંધણના ભાવવધારાથી પરેશાન, પણ સરકારની કમાણીની બલ્લે-બલ્લે! પેટ્રોલ-ડીઝલના ટેક્સથી તિજોરીમાં કરોડોની આવક