ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર ખતાલે એક વિશેષ જાહેરનામું બહાર પાડીને ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ અને ટેલિકોમ બલ્ક મેસેજિંગ સેવાઓ પર કડક નિયંત્રણો લાદી દીધા છે. ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં કોઈ અફવા કે અશાંતિ ન ફેલાય તે હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે.

48 કલાક રાજકીય સંદેશાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ

જાહેરનામા અનુસાર, મતદાન પૂર્ણ થવાના 48 કલાક પહેલા એટલે કે 9 ઓક્ટોબર સાંજે 6.00 વાગ્યાથી લઈને 11 ઓક્ટોબર સાંજે 6.00 વાગ્યા સુધી કોઈપણ પ્રકારના રાજકીય સંદેશાઓના પ્રસારણ પર સદંતર પ્રતિબંધ રહેશે. આ અંગે BSNL, એરટેલ, વીઆઈ (Vi) અને જિયો સહિતની ટેલિકોમ કંપનીઓ તેમજ ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર (X) જેવી સોશિયલ મીડિયા સાઈટ્સને આચારસંહિતાનો ભંગ થાય તેવા બલ્ક મેસેજ કે પોસ્ટીંગ પર તાત્કાલિક રોક લગાવવા કડક સૂચના આપવામાં આવી છે.

આચારસંહિતા ભંગ કરનાર સામે થશે કાયદેસરની કાર્યવાહી

ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરતી કે સત્તાવાર આચારસંહિતાનો અનાદર કરતી કોઈપણ વાંધાજનક સામગ્રીના પ્રસારણ પર સંપૂર્ણપણે રોક લગાવવામાં આવી છે. ગાંધીનગર મનપા ચૂંટણી હેઠળ આવતા તમામ વિસ્તારોમાં આ જાહેરનામું ત્વરિત અસરથી લાગુ કરી દેવાયું છે. જિલ્લા મેજિસ્ટ્રેટના આ હુકમનો અનાદર કરનાર કે નિયમોનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ કે સંસ્થા સામે કાયદાકીય જોગવાઈઓ હેઠળ સખત કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : Petladમાં પાલિકા સામે વાલીઓનો અનોખો વિરોધ, ગટરના ગંદા પાણીમાં બેન્ચો મૂકી બાળકોને બેસાડ્યા